છેવટે પાકિસ્તાને ભારત સામે ઝૂકવું જ પડ્યું. ભારતના મિસાઈલ હુમલાથી તબાહ થયેલાં પોતાનાં શહેરો જોઈ ધ્રૂજી ગયેલા પાકિસ્તાનના શાસકોએ ભારત સાથે યુદ્ધ વિરામ માટે કરગરવું પડ્યું.પાકિસ્તાનના નેતાઓનો અને આતંકવાદીઓનો ઈતિહાસ જ રક્તરંજિત છે. પાકિસ્તાનના એક વખતના સરમુખત્યાર ઝિયા ઉલ હકે પાકિસ્તાનના એક વખતના વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસીએ લટકાવી દીધા હતા. તેના થોડાં વર્ષો પૂર્વે તેમના ભાઈ શહનવાઝ તેમના ફ્રેન્ચ રિવેરા એપાર્ટમેન્ટમાંથી મૃત મળી આવ્યા હતા. તેમના બીજા ભાઈ મુર્તઝા જ્યારે બેનઝીર વડાપ્રધાન હતા ત્યારે જ ૧૯૯૬માં પોલીસની ગોળીથી વીંધાઈને મૃત્યુ પામ્યા હતા. તેનાં કેટલાંક વર્ષો બાદ બેનઝીર ભુટ્ટોને પણ બોમ્બથી ઉડાવી દેવાયા હતા. બેનઝીરના દુશ્મન નંબર એક તો સ્વયં પરવેઝ મુશર્રફ હતા. દુશ્મન નંબર બે પાકિસ્તાનના લશ્કરમાં રહેલા ઝિયા ઉલ હક્કના વફાદાર એક લશ્કરી જનરલ હતા. દુશ્મન નંબર ત્રણ કાવતરાખોર આઈએસઆઈના એજન્ટ્સ હતા. દુશ્મન નંબર ચાર કટ્ટરપંથીઓ હતા. આ બધાએ ભેગા મળી ૨૦૦૭માં બેનઝીરની હત્યા કરી દેવરાવી.
વિશ્વમાં આતંકવાદીઓને પણ પોતાનું આર્મી માનતો હોય તો તે પાકિસ્તાન છે. કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાને મોકલેલા આતંકવાદીઓએ ૨૬ જે હિન્દુ પર્યટકોની હત્યા કરી દીધી. પાકિસ્તાન આ ધંધો વર્ષોથી કરતું આવ્યું છે અને તેને તે વાતની કોઈ શરમ નથી, પરંતુ પાકિસ્તાને પેદા કરેલા આતંકવાદ નામના ફ્રેન્કેસ્ટાઈન પાકિસ્તાનને જ ખતમ કરી દેશે.
વર્ષો પહેલાં એક સાયન્સ ફિક્શન ફિલ્મ આવી હતી: `ફ્રેન્કેસ્ટાઈન’.
આ ફિલ્મની કથા એવી હતી કે એક વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં `ફ્રેન્કેસ્ટાઈન’ નામનો ખતરનાક રાક્ષસ પેદા કરે છે. ફ્રેન્કેસ્ટાઈન દ્વારા એ દુનિયાભરમાં આતંક ફેલાવી વિશ્વ પર રાજ કરવા માંગતો હતો, પરંતુ ફ્રેન્કેસ્ટાઈન સૌથી પહેલાં તેને પેદા કરનાર વૈજ્ઞાનિકને જ મારી નાંખે છે અને આખી લેબોરેટરીને પણ ખતમ કરી નાંખે છે. બસ, આવી જ પરિસ્થિતિ પાકિસ્તાનની છે. પાકિસ્તાનનો જન્મ જ ભારત પ્રત્યેની નફરતથી થયો છે. પાકિસ્તાને તેના જન્મ સાથે જ ભારત સાથે યુદ્ધ છેડ્યું હતું.
અત્યાર સુધીનાં તમામ યુદ્ધોમાં પાકિસ્તાન હારતું આવ્યું છે. પાકિસ્તાનને જ્યારે લાગ્યું કે તે ભારત સાથે પ્રણાલિકાગત યુદ્ધ જીતી શકે તેમ નથી ત્યારે તેણે ત્રાસવાદનો રસ્તો લીધો. આખા પાકિસ્તાનને એણે ટેરરિસ્ટ સ્ટેટ બનાવી દીધું. ઠેર-ઠેર ત્રાસવાદી તાલીમ કેન્દ્રો શરૂ કરાવડાવી પાકિસ્તાનની મિલિટરીએ ભરપૂર મદદ કરી. બોમ્બ અને શસ્ત્રો પણ આપ્યાં. ગુમરાહ થયેલા ગરીબ મુસલમાન કિશોરોમાં ઈસ્લામના નામે ધર્માંધતાનું ઝેર રેડ્યું. `અલ્લાહ તમારી પર ખૂબ રાજી થશે’ તેમ કહી યુવાનોને આત્મઘાતી બોમ્બર બનવા તૈયાર કર્યા. આવા ત્રાસવાદીઓએ ભારતમાં ઠેર-ઠેર હુમલા કરી લોહીના ફુવારા ઉડાડ્યા. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં પણ આ જ ધંધો કર્યો, પરંતુ પાકિસ્તાનની લેબોરેટરીમાં પેદા થયેલો આતંકવાદ નામનો ફ્રેન્કસ્ટાઈન હવે પાકિસ્તાનના કંટ્રોલ હેઠળ નથી. આ નવા આતંકવાદીઓ હવે તાલિબાનો છે. તાલિબાનોએ પાકિસ્તાનની સ્વાત ખીણ પર તો કબજો જમાવી દીધો છે. હવે તેમનું મિશન રાવલપિંડી પર કબજો કરવાનું બાકી છે.
આજે પાકિસ્તાનમાં કોણ રાજ કરે છે તેની પાકિસ્તાનને જ ખબર નથી. પાકિસ્તાનમાં અરાજકતા છે. લાહોર ક્રિકેટ રમવા ગયેલા શ્રીલંકાના ખેલાડીઓને એરપોર્ટથી ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું છે. ૧૯૪૭માં પાકિસ્તાન આઝાદ થયું ત્યારે પાકિસ્તાનમાં લોકો બોલતા હતા: `પાકિસ્તાન ઝિંદાબાદ’ આજે એ જ પાકિસ્તાનના લોકો વિદેશીઓને અને પોતાના જ નાગરિકોને કહે છે: `પાકિસ્તાન સે ઝિંદા ભાગ.’
તાલિબાન એ પાકિસ્તાનનું સર્જન છે. આ અંગે તેની પૂર્વભૂમિકા સમજવા જેવી છે. વર્ષો પહેલાં અફઘાનિસ્તાન પર રશિયન દળોનો કબજો હતો. અફઘાનિસ્તાનમાંથી રશિયાને હટાવવા માટે અમેરિકાએ પાકિસ્તાનને તાલિબાનો પેદા કરવા મદદ કરી હતી. રશિયનો તો જતા રહ્યા, પરંતુ તાલિબાનો ખુદ અફઘાનિસ્તાન પર ચડી બેઠા હતા. ઝેરીલા અને કટ્ટરપંથી તાલિબાનોને હટાવવા અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ઘૂસી યુદ્ધ કરવું પડ્યું હતું. ઓસામા બિન લાદેન અને મુલ્લા ઉમર કે જેઓ ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલા માટે જવાબદાર હતા. તેમને અફઘાનિસ્તાનમાંથી તો ભગાડ્યા, પરંતુ તેઓ પાકિસ્તાન સરહદની પહાડીઓમાં છુપાઈ ગયા.
પાકિસ્તાને તે પછી ફરી એકવાર અફઘાનિસ્તાનને પોતાની કોલોની બનાવી દેવાના હેતુથી તાલિબાની મોન્સ્ટર તૈયાર કર્યા. આઈએસઆઈએ તેમને રક્ષણ અને શસ્ત્રો પણ આપ્યાં. પાકિસ્તાનની આ ટેરરિસ્ટ લેબોરેટરીમાં તૈયાર થયેલો જેહાદી રાક્ષસ બે માથાંવાળો છે. પહેલું માથું અફઘાન તાલિબાનોનું છે, જેનો વડો ગુલબુદ્દીન હિકમતદાર અને જલાલુદ્દીન હકાની છે. આ લોકો કાબુલ (અફઘાનિસ્તાન)ને ફરી જીતી લેવા માંગે છે. આજે પણ આ અફઘાની તાલિબાનો અફઘાનિસ્તાનના બે તૃતીયાંશ ભાગ પર પંજો જમાવીને બેઠા છે.
આ બધા જ તાલિબાનો પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં ફૂલ્યાફાલ્યા છે.
હવે બે માથાંવાળા આ તાલિબાનો પૈકી પાકિસ્તાન તાલિબાનો સાથે યુદ્ધ કરવાના બદલે યુદ્ધવિરામ કરવાનું વધુ પસંદ કરે છે. પાકિસ્તાનની સ્વાત ખીણમાં છોકરીઓ ભણવા જઈ શકતી નથી. યુવતીઓ બુરખો પહેર્યા વગર બહાર નીકળી શકતી નથી. ગીત-સંગીતની મનાઈ છે. ઉંમર સહેજ પ્રેમ કરવાની મનાઈ છે. એક કિશોરીને આવી કોઈ કહેવાતી ભૂલ બદલ જે રીતે કોરડા ફટકારવામાં આવ્યા હતા અને છોકરી જે રીતે ચીસો પાડતી હતી તે ગમે તેવા પથ્થરદિલ ઈન્સાનને પણ દ્રવિત કરી દે તેવી હતી.
આતંકવાદીઓએ પાકિસ્તાનને મધ્યયુગમાં ધકેલી દીધું છે.
બીજી અગત્યની વાત એ છે કે પાકિસ્તાનના લશ્કરમાં પણ અંદરોઅંદર ભાગલા છે. અમેરિકા `ડ્રોન’ તરીકે ઓળખાતાં રિમોટ કંટ્રોલ સંચાલિત વિમાનો ઉડાડી પાકિસ્તાન-અફઘાનિસ્તાનની પહાડીઓમાં છુપાયેલા તાલિબાનો પર હુમલા કરી રહ્યું છે. પાકિસ્તાન લશ્કરનો એક ભાગ અમેરિકાના આ પગલાંનો વિરોધ કરતાં કહે છે કે, `આપણે શા માટે અમેરિકાનું યુદ્ધ લડવું જોઈએ?’
આમાં સમજવા જેવી વાત એ છે કે પાકિસ્તાન અફઘાની તાલિબાનો પર કોઈ જ અંકુશ મૂકવા માંગતું નથી અને પાકિસ્તાની તાલિબાનો પર કોઈ જ અંકુશ મૂકી શકતું નથી. પાકિસ્તાનની આ વિરોધાભાસી નીતિ છે.
ભારતના પાકિસ્તાન ખાતેના ભૂતપૂર્વ રાજદૂત જી. પાર્થસારથીના કહેવા પ્રમાણે પાકિસ્તાની પંજાબીઓએ પુસ્તુનો સાથેની લડવાની ઈચ્છા અને શક્તિ બેઉ ગુમાવી દીધા છે. બીજી બાજુ પાકિસ્તાનની પ્રજા જ નક્કી કરી શકતી નથી કે સાચો પાકિસ્તાની કોણ? કેટલીક ઈસ્લામિક પાર્ટીઓ કહે છે કે, `અમે જ પાકિસ્તાની છીએ.’ નવાઝ શરીફની પાર્ટી સુધારવાદી છે અને તેઓ કહે છે કે, `સાચું પાકિસ્તાન અમે છીએ.’ લશ્કરના જનરલો કહે છે: `સાચું પાકિસ્તાન આર્મીમાં વસે છે.’ હવે તાલિબાનો કહે છે: `સાચું પાકિસ્તાન જેહાદીઓમાં વસે છે.’
અમેરિકાના ડિફેન્સ નિષ્ણાતોની આગાહી છે કે આવનારાં વર્ષોમાં અફઘાન તાલિબાનો અફઘાનિસ્તાનના કેટલાક પ્રદેશોનો કબજો લઈ લેશે જ્યારે પાકિસ્તાની તાલિબાનો પાકિસ્તાનના કેટલાક પ્રદેશો પર પોતાનું શાસન સ્થાપી દેશે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કેટલાક વધુ ટુકડા થશે. પાકિસ્તાન તેનો પુસ્તુન એરિયા પણ ગુમાવાશે અને સિંધ તથા પંજાબને બચાવવા પાકિસ્તાને તાલિબાનો સાથે જ યુદ્ધ કરવું પડશે. પાકિસ્તાને સ્વાત ખીણ તો ગુમાવી જ દીધી છે. હવે બીજા વિસ્તારોનો વારો છે.
બાંગ્લાદેશની બોર્ડરમાંથી ઘૂસેલા લાખ્ખો શરણાર્થીઓએ ભારતમાં અનેક પ્રશ્નો ઊભા કરેલા જ છે. આવા લોકોને ભારત માટે કોઈ જ પ્રેમ નથી. તેઓ ખુદ ગુનેગાર બની ભારતના સુખ-ચેન ખોરવી નાંખી શકે તેમ છે.
પાકિસ્તાનમાં આતંકવાદીઓનું રાજ આવી જાય તો સહુથી મોટી ચિંતાનો પ્રશ્ન પાકિસ્તાનમાં અણુશસ્ત્રો છે. પાકિસ્તાનનાં અણુશસ્ત્રો હાલ તો પાકિસ્તાનના લશ્કરના અંકુશ હેઠળ છે, પરંતુ ધારો કે આવતી કાલે તે શસ્ત્રો આતંકવાદીઓના હાથમાં જતાં રહે તો? મુંબઈ પરનો આતંકવાદી હુમલો દરિયાઈ માર્ગે આવ્યો હતો. હવે પછીનો આતંકવાદી હુમલો આકાશ માર્ગે પણ આવી શકે છે. અલબત્ત, સામૂહિક માનવ સંહારનાં આ શસ્ત્રો કોઈ એક વ્યક્તિથી ઉપયોગમાં લઈ શકાતાં નથી. પાકિસ્તાનની સરકાર એવો દાવો કરે છે કે `પાકિસ્તાનનાં ન્યૂક્લિયર શસ્ત્રો ત્રાસવાદીઓની પહોંચથી દૂર છે’, પરંતુ પાકિસ્તાન સરકાર ખુદ ખોખલી છે. પાકિસ્તાનના અણુબોમ્બનો પિતા એ.ક્યુ. ખાન ખુદ પૈસા માટે ન્યૂક્લિયર ટેક્નોલોજી વેચતો હોય તો પાકિસ્તાન લશ્કરના લાંચિયા જનરલો અને લાંચિયા નેતાઓ અણુશસ્ત્રો માટેના ગુપ્ત કોડ પણ વેચી શકે છે.
અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો થયો તે પછી અમેરિકાએ પાકિસ્તાનમાં છુપાયેલા ઓસામા બિન લાદેનને શોધી કાઢી એની હત્યા કરી દીધી. ત્યાર પછી અમેરિકામાં એક પણ આતંકવાદી હુમલો થયો નથી. ઈઝરાયેલ ચારે બાજુ મુસ્લિમ દેશોથી ઘેરાયેલા દેશ છે, પરંતુ એક પણ કટ્ટર મુસ્લિમ દેશ ઈઝરાયેલ પર હુમલો કરવાની હિંમત ધરાવતો નથી. ચીનમાં તો મુસ્લિમોને નમાજ પઢવાની પણ મનાઈ છે. તેની સામે ભારતમાં રહેતાં મુસ્લિમ ભાઈ-બહેન વધુ ખુશ અને સલામત છે, તેથી ઊલટું પાકિસ્તાનમાં રહેતા હિન્દુ પરિવારોની દીકરીઓનાં અપહરણ થાય છે, તેમને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરી દેવાય છે. હિન્દુ દીકરીઓના કોઈ મુસ્લિમ સાથે જબરદસ્તીથી નિકાહ પઢાવી દેવાય છે. પાકિસ્તાનમાં આવેલાં સેંકડો હિન્દુ મંદિરોને ધ્વસ્ત કરી દેવાયાં છે. પાકિસ્તાનમાં રહેતા હિન્દુ પરિવારો ભયના ઓથાર હેઠળ જીવે છે. આ બધાનો અંત લાવવો હોય તો ભારતે હવે પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરવું જ રહ્યું. શરૂઆત પીઓકેનો કબજો લઈને કરવી જોઈએ. તે પછી બલુચિસ્તાનને આઝાદ કરાવવું રહ્યું. ગિલગિટનો કબજો પાછો લેવો જ રહ્યો. કરાચી અંદર પાછું લેવું જ રહ્યું અને જો ના માને તો તેમને અફઘાનિસ્તાન કે તુર્કીયે ભેગા કરવા જ રહ્યા.
આ કામ દેશના શક્તિશાળી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ કરી શકે તેમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જુદી જ માટીના હિંમતવાન નેતા છે. એકમાત્ર તેમના જ નેતૃત્વ હેઠળ ભારતનું શક્તિશાળી લશ્કર પાકિસ્તાનને પાઠ ભણાવી શકે તેમ છે. ભારતના લશ્કરે જે રીતે પાકિસ્તાનનાં મુખ્ય શહેરો પર મિસાઈલો ત્રાટકી તે જોતાં હવે લાગે છે કે પાકિસ્તાનના અંતનો આરંભ હવે થઈ ચૂક્યો છે. પાકિસ્તાનના અંતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
પણ હાલ પૂરતું પાકિસ્તાન બચી ગયું છે.
કંગાળ પાકિસ્તાન ન્યૂક્લિયર પાકિસ્તાનને હવે ખતમ કરવું જ રહ્યું. એ સુધરશે નહીં.
ભારતમાંથી જ અલગ થયેલો ભૂભાગ પાકિસ્તાન આજે ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે એક ન્યૂસન્સ છે. પાકિસ્તાન આતંકવાદીઓ પેદા કરવાની ફેક્ટરી છે. પાકિસ્તાન ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઈબ્રાહિમને પનાહ આપીને બેઠું છે. અમેરિકાના વર્લ્ડ સેન્ટર પર હુમલો કરાવનાર માસ્ટર માઈન્ડ ઓસામા બિન લાદેનને આશ્રય આપનારું રાષ્ટ્ર હતું, પરંતુ અમેરિકાએ પાકિસ્તાનમાં છુપાયેલા ઓસામા બિન લાદેનને શોધી કાઢી એની હત્યા કરી તેની લાશને દરિયામાં ફેંકી દીધી હતી. પાકિસ્તાનમાં તાલિબાનો પણ આશ્રય લઈ રહ્યા છે. પાકિસ્તાને ગીલગીટ પ્રાંત ચીનને હવાલે કરી દીધો છે.
પાકિસ્તાનમાં જ બલુચિસ્તાન ખાતે ચીનનો ગ્વાદર પ્રોજેક્ટ અમલી બન્યો છે. પાકિસ્તાન ચીનનું જ વેપર છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તાજેતરમાં જ ભારતે પાકિસ્તાન પર મિસાઈલો ફેંકી પાકિસ્તાનનાં કેટલાંક શહેરોના કેટલાક ભાગોને ધ્વસ્ત કરી દીધા, પરંતુ ચીને પાકિસ્તાનને કોઈ લશ્કરી સહાય ન કરી, કારણ કે ચીનનો વડા શી જિનપિંગ એક ખંધો રાજકારણી છે. પાકિસ્તાનનો ઈતિહાસ જ લોહીથી ખરડાયેલો છે. પાકિસ્તાને ભૂતકાળમાં આતંકવાદીઓને ભારત મોકલી મુંબઈની તાજ હોટલમાં બોમ્બ ધડાકા કરાવ્યા હતા. ગાંધીનગરમાં અક્ષરધામ પર પણ હુમલો કર્યો હતો. દિલ્હીની પાર્લામેન્ટ હાઉસ પર પણ હુમલો કર્યો હતો. ભારત સાથે દગાખોરી કરી કારગિલ પર કબજો કરી દીધો હતો. પાકિસ્તાનનો ભૂતકાળ જ દગાખોરીથી ભરેલો છે. હિંસા અને રક્તપાત તેની નસેનસમાં છે. હાલ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયું છે, પણ પાકિસ્તાન ફરી ક્યારે દગો કરશે તે નક્કી નથી. ભારતે સાવધાન રહેવું પડશે, કારણ કે પાકિસ્તાનમાં આર્મી તેના શાસકોના કબજામાં નથી. આતંકવાદીઓ ક્યારે શું કરશે તે નક્કી નથી. સદ્નસીબે ભારતને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા શક્તિશાળી નેતાનું નેતૃત્વ પ્રાપ્ત થયું છે. દેશની સેનાઓ સજ્જ અને સજાગ છે, તેથી હવે પાકિસ્તાન કંઈ પણ અટકચાળો કરશે તો તેનું મોત નક્કી જ છે.



