Close

પ્રેસિડન્ટ ટ્રમ્પ કહે છે: `મેં યુદ્ધ વિરામ કરાવ્યો’ બોલો, જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફોઈ

રેડ રોઝ | Comments Off on પ્રેસિડન્ટ ટ્રમ્પ કહે છે: `મેં યુદ્ધ વિરામ કરાવ્યો’ બોલો, જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફોઈ
વર્ષો જૂની એક ગ્રામ્ય કહેવત-રૂઢિપ્રયોગ છે, `જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફોઈ.’
કહેવાનો મતલબ એ છે કે વરરાજા સાથે કોઈ નહાવા નિચોવાનો પણ સંબંધ ન હોય તેવી દોઢડાહી મહિલા કોઈની જાનમાં નવાં નકોર કપડાં પહેરીને રૂમલાયા કરે. કોઈ પૂછે કે તમે વરનાં શું સગાં છો તો એ ગપગોળો હાંકે કે `હું વરની ફઈ (ફોઈ) છું.’
બસ, આવું અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું છે. ગઈ તા. ૨૨મી એપ્રિલે પાકિસ્તાને તેની જ ભૂમિ પર તૈયાર કરેલા કેટલાક આતંકવાદીઓને કાશ્મીરના પહલગામમાં મોકલ્યા અને ૨૬ જેટલા નિર્દોષ હિન્દુઓની હત્યા કરી દીધી. આ ઘટનાનો જવાબ આપવા અને પાકિસ્તાનની સાન ઠેકાણે લાવવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂરું ગૃહકાર્ય કર્યા બાદ `ઓપરેશન સિંદૂર’ હેઠળ ભારતીય લશ્કરને સખત પગલાં લેવા આદેશ આપ્યો. ભારતીય મિસાઈલોએ માત્ર ૨૨ જ મિનિટમાં પાકિસ્તાનનાં લાહોર, પેશાવર અને કરાચી જેવાં કુલ ૧૧ એરપોર્ટ્સ ધ્વસ્ત કરી દીધાં. પાકિસ્તાનની કેટલીક રડાર સિસ્ટમ તોડી નાંખી. ભારતીય મિસાઈલોએ પાકિસ્તાનમાં આવેલા નવ જેટલા આતંકવાદી અડ્ડા ખતમ કરી દીધા. ૧૦૦ જેટલા આતંકવાદીઓને મારી નાંખ્યા. આ ઘટનાથી હતપ્રભ થયેલો પાકિસ્તાનના લશ્કરનો વડો મુનીર પોતાની જાતને બચાવવા માટે બંકરમાં છુપાઈ ગયો. અચાનક ત્રાટકેલી ભારતીય મિસાઈલોથી ડરી ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન શરીફે ભારતને કરગરવું પડ્યું અને ભારતને સૈન્ય અભિયાન અટકાવવા વિનંતી કરી. પાકિસ્તાનની આ વિનંતી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ પૂરતું સૈન્ય અભિયાન અટકાવ્યું છે.
હવે વોશિંગ્ટનથી ડોનાલ્ડ ટ્રમ્પે એવો ગપગોળો ચલાવ્યો કે મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો છે. ભારત સરકારે એ વાત સ્વીકારવા ઈન્કાર કર્યો, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ દર થોડા થોડા દિવસે આ ગપ્પું હાંકતા જ રહ્યા કે મેં જ આ યુદ્ધવિરામ કરાવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ એ વાત જાણતા જ નથી કે સૈન્ય અભિયાન માત્ર ભારતે જ ચલાવ્યું હતું. પાકિસ્તાન પર ભારતે તેની ઈચ્છાથી મિસાઈલોથી હુમલો કર્યો અને ભારતે પોતાની ઈચ્છાથી જ એ હુમલા રોક્યા. આ વાત આટલી સ્પષ્ટ હોવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ દર થોડા થોડા દિવસે મેં જ યુદ્ધવિરામ કરાવ્યોનું ગાણું ગાતા રહે છે. એટલે જ અમારે લખવું પડ્યું કે, `જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફઈ.’
વર્ષો પહેલાં એક ફિલ્મ આવી હતી `બ્લફ માસ્ટર.’ ૨૦૦૫માં બનેલી આ ફિલ્મમાં મુખ્ય રોલ અભિષેક બચ્ચને કર્યો હતો, પણ હવે કોઈ નવો નિર્માતા `બ્લફ માસ્ટર-૨’ ફિલ્મ બનાવવા માંગતો હોય તો તેણે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને જ મુખ્ય રોલ આપવો જોઈએ. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા પછી આજે કંઈ બોલે છે ને કાલે ફરી જાય છે. સવારે કંઈ બોલે છે ને સાંજે ફરી જાય છે. એકવાર ચીન પર આકરા ટેરિફ નાંખે છે અને પંદર દિવસ બાદ ઘટાડી નાંખે છે. માત્ર ચીન પર જ નહીં, પરંતુ વિશ્વભરના દેશો પર ડોનાલ્ડ ટ્રમ્પે આકરા ટેરિફ નાંખ્યા છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર વિશ્વ માટે નહીં, પરંતુ તેમના દેશ અમેરિકા માટે પણ એક હોનારત અને લાયેબિલિટી બનતા જાય છે.
અમેરિકાના જ કેટલાક મનોવૈજ્ઞાનિકોએ તેમના દિમાગનું સાયકો એનાલિસિસ કર્યું છે. આ મનોવૈજ્ઞાનિકો કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પના વિચારો અને વિધાનોમાં સાતત્ય નથી. ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ એક પઝલ એટલે કે કોયડો છે. ડોનાલ્ડ ટ્રમ્પ મોસ્ટ અનપેડિક્ટેબલ એટલે કે આગાહી ન કરી શકાય તેવા નેતા છે.
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દર પંદર દિવસે મિત્રો અને દુશ્મનો બદલી નાંખે છે. દા.ત., રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારે પ્રેસિડેન્ટ ટ્રમ્પે યુક્રેનને તમામ પ્રકારની લશ્કરી અને આર્થિક મદદ બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ હવે રશિયાના વડા પુટિનના મિત્ર છે તેવો ભ્રમ ઊભો કર્યો. તેના થોડા દિવસ બાદ આ જ ડોનાલ્ડ ટ્રમ્પે પલટી મારીને રશિયાના વડા પુટિનને યુદ્ધ બંધ કરવાની ધમકી આપી અને રશિયા પર આકરા ટેરિફની પણ ધમકી આપી. ટૂંકમાં, દર થોડા થોડા દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ પલટી મારતા રહે છે.ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક ઈરાન પર બોમ્બ વરસાવ્યા અને અચાનક યુદ્ધ વિરામ જાહેર કર્યો. યુદ્ધવિરામ જ કરાવવો હતો તો ઈરાન પર બોમ્બ શા માટે ફેંકયા?
નોંધપાત્ર વાત એ છે કે એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ આતંકવાદનો વિરોધ કરે છે અને બીજી તરફ આતંકવાદની નિકાસ કરતા પાકિસ્તાનના લશ્કરી વડા મુનીરને વોશિંગ્ટન બોલાવી સાથે જ જમવા બેસાડે છે. ડોનાલ્ડ ટ્રમ્પ એ વાત ભૂલી ગયા લાગે છે કે ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર તરીકે જાણીતા ટ્વીન ટાવર પર હુમલો કરાવનાર આતંકવાદી ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં એબટાબાદ ખાતે આશ્રય આપ્યો હતો અને અમેરિકાના કમાન્ડોએ પાકિસ્તાનમાં ઘૂસી ઓસામા બિન લાદેનને શોધી કાઢી ઠાર માર્યો હતો. એ જ પાકિસ્તાનના લશ્કરી વડા સાથે ભોજન લેતાં ડોનાલ્ટ ટ્રમ્પને શરમ આવવી જોઈએ.
પાકિસ્તાનના લશ્કરી વડા મુનીરે કહ્યું કે, `ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિ માટે નોબેલ પ્રાઈઝના અધિકારી છે.’- તે પછી ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા: `આઈ લવ પાકિસ્તાન.’ ટ્રમ્પને શાંતિનું નોબેલ પ્રાઈઝ જોઈએ છે, શાંતિ નહીં. એ સ્પષ્ટ છે કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ગમે તે કારણસર પાકિસ્તાન સાથે લફરું છે. ક્યાં તો તેનાં ગુપ્ત લશ્કરી થાણાં પાકિસ્તાનમાં છે. ક્યાં તો અમેરિકાએ પાકિસ્તાનને તેનાં શસ્ત્રો વેચી ધંધો પણ કરવો છે અને ભારત બહુ શક્તિશાળી ન બની જાય તેની સાયકોલોજિકલ ભીતિથી તે આમ કરી રહ્યું છે.
પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના લશ્કરી વડા મુનીરને વ્હાઈટ હાઉસમાં બોલાવી સાથે ભોજન લીધું પણ બહુ ઓછા લોકો જાણે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના મોટા બિઝનેસમેન પણ છે. તેમની પર એક આરોપ એવો છે ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાન સાથે સુંવાળા સંબધોને જાળવી રાખીને પાકિસ્તાનમાં ક્રિપ્ટો કરન્સીનો ધંધો કરવા માંગે છે. તેમનો પરિવાર ક્રિપ્ટો કરન્સીના બીઝનેસમાં છે.
હવે બીજી વાત કેનેડાની જી-૭ની બેઠક છોડીને અચાનક પાછા ગયેલા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, `હું કોઈ મોટું પગલું લેવા જઈ રહ્યો છું. અમેરિકા પાછા જઈને તેમણે નિવેદન કર્યું કે હું બે સપ્તાહ બાદ કોઈ નિર્ણય લઈશ. પરંતુ એવું બોલીને તેમણે ઈરાનને અંધારામાં રાખ્યું અને અચાનક જ ઈરાન પર સ્ટીલ્થ બોમ્બર વિમાનો મોકલીને ઈરાનનાં ત્રણ અણુમથકોનો નાશ કર્યો.’
ડોનાલ્ડ ટ્રમ્પને એક બાજુ વિશ્વશાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ જોઈએ છે અને બીજી બાજુ તેઓ હજારો માઈલ દૂર આવેલા ઈરાન પર બોમ્બમારો કરે છે.
આ કયા પ્રકારની વિશ્વશાંતિ? સાચી વાત તો એ છે કે વર્ષો પહેલા જ ક્યુબા પર આક્રમણ કરનાર પણ અમેરિકા જ હતું. અફઘાનીસ્તાનમાં પોતાની સેના મોકલનાર પણ અમેરિકા જ હતું. અફઘાનીસ્તાનમાંથી રશિયનદળોને હટાવવા તાલીબાનો પેદા કરનાર પણ અમેરિકા જ હતું બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનના હીરોશીમા અને અને નાગાસાકી પર અણુબોમ્બ ફેંકનાર પણ અમેરિકા જ હતું. વિયેતનામમમાં બોમ્બવર્ષા કરીને હજારો લોકોને મોતને ઘાટ ઉતારનાર પણ અમેરિકા જ હતું. વિશ્વમાં કયાંકને ક્યાંક યુદ્ધો ચાલુ રહે તે અમેરિકાની જરૂરિયાત છે કારણકે યુદ્ધો ચાલુ જ રહેતો જ અમેરિકા તેના સંહારક શસ્ત્રો વેચી શકે. વિશ્વમાં શાંતિ સ્થપાય તો અમેરિકા કોને શસ્ત્રો વેચે? દરેક યુદ્ધમાં અમેરિકા પોતાનો જ ફાયદો જુએ છે. હવે તે ઈરાનમાં કૂદી પડ્યું છે તે સારી નિશાની નથી. રશિયા, ચીન, ઉત્તર કોરિયા જેવા દેશો ઈરાનની સાથે જઈ શકે છે. એ વાત સાચી છે કે ઈઝરાયેલ અને અમેરિકા સામે ઈરાન ટકી શકે તેમ નથી. પરંતુ આ યુદ્ધ વિશ્વના દેશોમાં ક્રૂડના ભાવ આસમાને પહોંચાડી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે આમેય પહેલાંથી વિશ્વના અનેક દેશો પર આકરા ટેરિફ નાંખી વિશ્વની અર્થવ્યવસ્થા ખોરવી નાંખેલી છે. હવે ઈરાન પરનો તેનો હૂમલો ક્રૂડના ભાવ આસમાને પહોંચાડીને વિશ્વની અર્થ વ્યવસ્થાને વધુ બગાડી શકે છે. આ કારણે અમેરિકામાં પણ તેમની સામે વિરોધ શરૂ થયો છે.
પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર વિશ્વ માટે જ નહીં પણ તેમના જ અમેરિકા માટે એક હોનારત સાબીત થઈ શકે છે.
સદનસીબે ઈઝરાયેલ-ઈરાન યુદ્ધમાં ભારત તટસ્થ રહ્યું છે. ભારતના ઈઝરાયેલ અને ઈરાન બંને દેશો સાથે સારા સંબંધ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી શાંતિ માટે અપીલ કરી હતી. ભારત આ યુદ્ધમાં કોઈનું યે પક્ષકાર થવા માંગતું નથી. એ મોદી સરકારનો શ્રેષ્ઠ નિર્ણય છે. ભારતના વર્ષોથી ઈઝરાયેલ અને ઈરાન સાથે સારા સંબંધો જ રહ્યા છે.
કેનેડાથી અચાનક પાછા અમેરિકા જવા ઉપડેલા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા પહોંચીને ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી સાથે ૩૫ મિનિટ વાત કરી હતી અને ભારતના વડાપ્રધાનને કેનેડાથી ભારત જતાં પહેલાં અમેરિકા આવવા નિમંત્રણ આપ્યું હતું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાથી સીધા અમેરિકા આવવાનો સાફ ઈન્કાર કરી દઈ ડોનાલ્ડ ટ્રમ્પને બરાબરની લપડાક મારી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મેં તો ભગવાન જગન્નાથની ધરતી પર આવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પનું અમેરિકા આવવા માટેનું નિમંત્રણ મેં ઠુકરાવી દીધું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને બરાબર લપડાક મારી છે.
ખરી વાત એ છે કે દુનિયાભરના દેશોને અંદરોઅંદર લડાવીને તેઓ `વિશ્વ જમાદાર’ બનવા માંગે છે. અમેરિકાને પોતાનાં શસ્ત્રો વેચવા બીજા દેશો અંદર લડે તે જરૂરી છે. આવી થર્ડક્લાસ નીતિ તેઓ અપનાવી રહ્યા છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને વિશ્વશાંતિ માટે નોબેલ પ્રાઈઝ જોઈએ છે, શાંતિ નહીં.
સાચી વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વ શાંતિને ડહોળી રહ્યા છે. વિશ્વના અર્થતંત્રને ખોરવી રહ્યા છે અને તેમના અમેરિકાને પણ બરબાદ કરી રહ્યા છે.
– www.devendra patel.in
——————————————–

Be Sociable, Share!