Close

ચાણક્યની સલાહ – પોતાના જીવનની અંગત વાત અને મનનો ભેદ કદીયે કોઈને કહેશો નહીં

રેડ રોઝ | Comments Off on ચાણક્યની સલાહ – પોતાના જીવનની અંગત વાત અને મનનો ભેદ કદીયે કોઈને કહેશો નહીં
ઈ.સ.પૂર્વે ૪થી સદીના વિચક્ષણ પ્રતાપી વિદ્વાન પુરુષ ચાણક્યે ભારતના તે સમયના રાજાઓને એક કરી સિકંદર સામે કે એણે મૂકેલા સેલ્યૂક્સ, ફિલોપોસ ફિલિયડ અને કોલોમી જેવા સામે યુદ્ધે ચડવા તૈયાર કર્યાં હતાં. પ્રો.રમણભાઈ એમ. ઠક્કર `ગીતાપ્રેમી’ દ્વારા સંપાદિત પુસ્તક `ચાણક્યનાં નીતિસૂત્રો’માં વર્ણવેલાં નીતિસૂત્રો આ પ્રમાણે છે:
ચાણક્યનાં નીતિસૂત્રો
ચાણક્ય કહે છે: (1) પોતાનાથી મોટા સામે કદીયે જૂઠ બોલવું જોઈએ નહીં. તેમની સાથે દગો કરાય નહીં. રાજા સામે અસત્ય બોલવાથી મૃત્યુદંડ મળી શકે છે. એટલા માટે કોઈનીયે સાથે દગો કરશો નહીં. અસત્ય અને દગો લાંબો સમય ટકતાં નથી. (૨) બધાં પક્ષીઓ રાત્રે કોઈ ને કોઈ ડાળી પર બેસીને વિશ્રામ કરે છે. સવાર થતાં જ ઊઠી જાય છે. આ દુનિયા કેવળ રેનબસેરા અથવા રાત્રિ નિવાસ જ છે. (૩) બળવાન કોણ છે?: આવડા મોટા હાથીને એક કીડી પણ મારી નાંખે છે. નાનો અમથો દીવડો પણ ઘોર અંધારાનો પડદો ચીરી નાંખે છે. (૪) ચોવીસે કલાક પોતાના ઘરના જ વિચારોમાં ખોવાયેલો રહેતો માણસ વિદ્યા પ્રાપ્ત કરી શકતો નથી. જે માંસાહારી છે તેને દયા આવી શકતી નથી. જે કામી છે તે પવિત્ર બની શકતો નથી. (૫) રાજાના પુત્રો પાસેથી સુશીલતા અને પંડિતો પાસેથી બોધવચન શીખવાં જોઈએ. આવા લોકોના ગુણો ફૂલોની સુવાસ જેવા હોય છે. (૬) જે જ્ઞાની છે તે ભોજનની ચિંતા કરતો નથી. જો પેટ ભરવાનું નામ જ જીવન હોય તો રખડતાં કૂતરાં પણ પેટ ભરી લે છે. (૭) જે મનુષ્ય કૂવો, તળાવ કે બાગ-બગીચાનો નાશ કરે છે તે રાક્ષસ કહેવાય. (૮) મધમાખીને જુઓ, કેટલો પરિશ્રમ કરી મધ એકઠું કરે છે? એ જાણતી જ હોય છે કે કોઈક દિવસ એનો મધપૂડો તોડીને કોઈ લઈ જશે પરંતુ તે તેના પરિશ્રમમાં ખામી આવવા દેતી નથી. (૯) દરેક રૂપજીવિની ગરીબનું ઘર છોડી દે છે, કારણ કે તેનો પ્રેમ ધન સાથે જ હોય છે. પંખી પણ એવા ઝાડ પર બેસતાં નથી જે ફળ આપતાં ન હોય. (૧૦) આ સંસારમાં એવો કયો મનુષ્ય છે જેનામાં કોઈ દોષ ન હોય? સંસારની માયાજાળમાં ફસાયેલો એવો કોણ છે કે જેને કોઈ દુ:ખ ન હોય? હંમેશાં કોઈ સુખ કાયમ રહ્યું નથી. આ જીવન દિવસરાતના પ્રકાશ અને અંધકાર જેવું છે. કોઈ સમયે સુખ છે કોઈ સમયે દુ:ખ છે.
ખરાબ કોણ?
(૧૧) ચાણક્ય કહે છે: બૂરો ઈન્સાન અને સાપમાં સારું કોણ? આ પ્રશ્નનો ઉત્તર છે: સાપ તો કેવળ સમય આવે જ કરડે છે પરંતુ જે લોકો બૂરા કે પાપી હોય છે તે તો દરેક પગલે બૂરાઈ કરે છે. બૂરો માણસ તો સાપથીયે ભયંકર હોય છે. (૧૨) મોટા કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મોટો ગણાતો નથી. મહાન તે છે જેની પાસે વિદ્યા અને ગુણ છે. એવા લોકોને કદીયે નાના ન સમજો કે જે ગરીબ કુટુંબમાં જન્મ્યા છે. જેઓ બુદ્ધિશાળી છે, ગુણવાન છે, સારું શિક્ષણ મેળવેલું છે, જેમની પાસે વિવેક છે તેઓ ગરીબ પરિવારમાં હોય તો પણ પોતાના ગુણોથી મહાન છે. (૧૩) વિદ્યાર્થીઓએ આ આઠ વાતોથી દૂર રહેવું જોઈએ: કામ, ક્રોધ, લોભ, સ્વાદિષ્ટ પદાર્થો, શૃંગાર, રમતો, અતિ નિદ્રા અને અતિ સેવા. (૧૪) પુરુષના ચાર મોટા શત્રુઓ છે. (૧) દેવું કરનાર પિતા (૨) ચારિત્ર્યહીન માતા (૩) સુંદર પણ પતિત પત્ની અને (૪) મૂર્ખ સંતાનો (૧૫) એક જ માતાની કૂખે જન્મ લેનાર બધાં જ બાળકો એકસમાન હોઈ શકતાં નથી. બોરડીની ડાળ પર કાંટા પણ હોય છે અને બોર પણ. આ બંનેની મા તો બોરડી જ છે. (૧૬) પુત્ર સાથે પાંચ વર્ષ સુધી તેને પ્રેમ કરો. દસ વર્ષની ઉંમર સુધી તેને ધાકમાં રાખો. સોળ વર્ષની ઉંમર થાય ત્યારે તેને મિત્ર માનો (૧૭) માતાપિતાને દુ:ખ આપનાર ઘણા પુત્રોથી શો લાભ? પુત્ર એક જ હોય પણ ઘડપણમાં માતા-પિતાની સેવા કરે તે જ પુત્ર સર્વોત્તમ. (૧૮) મુર્ખાઓએ જ પથ્થરના ટુકડાઓને રત્ન માની લીધાં છે. ખરાં રત્નો તો અનાજ, પાણી અને જ્ઞાનની વાતો જ છે.
સૌથી ઝેરીલું કોણ?
ચાણક્ય કહે છે: (૧૯) બીજાના આશ્રયે રહેનારો હંમેશાં નાનો જ રહે છે.
(૨૦) ચંદનના ઝાડને કાપી નાંખવામાં આવે તો પણ તે તેની ખુશબૂ છોડતું નથી. હાથી ઘરડો થાય તો પણ ચંચળ જ રહે છે. શેરડીને કોલામાં પીલવામાં આવે તો પણ તે તેની મીઠાશ છોડતી નથી. સોનાને આગમાં તપાવવામાં આવે તો પણ તે તેની ચમક છોડતું નથી. આ પ્રકારે ઊંચા ખાનદાનનો માનવી ગમે ત્યાં જાય ભલાઈ હંમેશાં તેની સાથે જ રહે છે. (૨૧) આ પૃથ્વી પર એવો કોણ જન્મ્યો છે કે જે ધન મળતાં ગર્વિષ્ઠ બન્યો ન હોય? એવો કોણ છે જેને સ્ત્રીએ બેચેન બનાવ્યો ન હોય? એવો કોણ છે જે ક્યારેક કોઈ બુરાઈમાં ફસાયો ન હોય? (૨૨) સાપના દાંતમાં ઝેર હોય છે. માખીના મોંમાં અને વીંછીના પૂંછડામાં ઝેર હોય છે પરંતુ ખરાબ માણસના તો આખા શરીરમાં ઝેર હોય છે. બૂરો માણસ સૌથી વધુ ઝેરીલો હોય છે. (૨૩) કેતકી નામના ફૂલછોડમાં સાપ નિવાસ કરે છે. કમળ કીચડમાં ખીલે છે, પરંતુ તેના એક જ ગુણ-સુંદરતાના લીધે કમળ પૂજાય છે, તેથી મનુષ્ય કેવળ ગુણોથી જ મોટો બની શકે છે. (૨૪) ઉપકાર કરનાર પર ઉપકાર અને મારનારાને સામે મારી સજા કરો. મનુષ્યે પોતાની રક્ષા કરવી હોય તો ખરાબ માણસ સાથે ખરાબ વ્યવહાર જ કરવો જોઈએ.
(૨૪) અન્નથી મોટું કોઈ દાન નથી. માતા કરતાં મોટી કોઈ દેવી નથી. (૨૫) હાથની શોભા કંગનથી થતી નથી, દાનથી થાય છે. સ્નાન કરવાથી જ શરીર સ્વચ્છ થાય છે, ચંદન લગાવવાથી નહીં. (૨૬) સુંદર છોકરી, રૂપવતી વિધવા, ઘરડો વિધુર, ઢોંગી સંન્યાસી, તાંત્રિક અને ગધેડો આ બધાથી બચીને ચાલે છે તે જ બુદ્ધિમાન.
સ્ત્રી વિશે
(૨૭) છોકરી સારા કુળની હોય અને ભલે સુંદર ન હોય તો પણ તેની સાથે લગ્ન કરી લેવું જોઈએ અને છોકરી બહુ જ સુંદર હોય પરંતુ સારા કુળની ન હોય તો ભૂલથીયે તેની સાથે લગ્ન ન કરો, લગ્ન પોતાની બરાબરના કુટુંબ સાથે જ કરો. (૨૮) આ સંસારમાં અધિકતર યુદ્ધના પ્રસંગો કેવળ સ્ત્રીના કારણે જ બન્યા છે માટે બુદ્ધિશાળી માણસોને સલાહ છે કે તેઓ સ્ત્રીની માયાજાળમાં ન ફસાય. (૨૯) જે સ્ત્રી સવારના પહોરમાં એક માતાની જેમ પતિની સેવા કરે છે, દિવસે બહેનની જેમ પ્રેમ બક્ષે છે અને રાત્રે રંભાની જેમ પતિને સુખ આપે છે તે સ્ત્રી સારી પત્ની ગણાય છે. (૩૦) જે પરિવારમાં ખરાબ સ્ત્રી હોય, સામે બોલનાર ઉદ્ધત નોકર હોય અને જે ઘરમાં સાપ રહેતો હોય એ પરિવારમાં સુખ-શાંતિ હોતાં નથી. (૩૧) એવા ઘણાય લોકો છે જે મોટા મોટા ગ્રંથો ભણીને પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. એટલા માટે પુસ્તકો વાંચીને તેમાં રહેલા જ્ઞાનના આચરણથી જ લાભ થઈ શકે છે, કેવળ ગ્રંથો વાંચવાથી કોઈ લાભ થતો નથી. (૩૨) આપણી પીઠ પાછળ આપણું બૂરું બોલનારા અને આપણને મીઠાં વચનો બોલનારા મિત્રથી સદા સાવધ રહેવું જોઈએ. આવા મિત્રો કરતાં બુદ્ધિમાન શત્રુ સારો હોય છે. (૩૩) જૂઠાં, લબાડ અને દગાબાજ મિત્રો પર કદી ભરોસો રાખશો નહીં આવા મિત્રો જ્યારે આપણી વિરુદ્ધ જાય છે ત્યારે બધા જ ભેદો ઓકી નાંખે છે. આવા મિત્રોને કદીયે ગુપ્ત વાત કહેશો નહીં. મિત્રતા હંમેશાં બરાબરવાળા સાથે જ થાય. (૩૪) સાચો મિત્ર સમય આવે ત્યારે પોતાનું લોહી પણ વહેડાવી દેશે, તેને જ સાચો મિત્ર જાણવો. જો તે તેમ કરી શકતો ન હોય તો એવા મિત્ર કરતાં મગર સારો, કારણ કે ઓછામાં ઓછું બનાવટી આંસુ તો પાડી શકે છે. (૩૫) શ્રીકૃષ્ણ અને સુદામા, શ્રીકૃષ્ણ અને અર્જુન તથા શ્રી રામ અને વિભીષણ આ સર્વેની મિત્રતાને આદર્શ ગણવામાં આવે છે. (૩૬) અને એક ગુરુ મંત્ર – પોતાના મનનો ભેદ ગમે તેને બતાવી દેનાર મનુષ્યનો નાશ થાય છે, તેથી તમે તમારું ભલું ઈચ્છતા હો તો પોતાના મનનો ભેદ, અંગત વાત કોઈનેય કહેશો નહીં. (૩૭) શત્રુ કોણ? કંજૂસનો શત્રુ ભિખારી હોય છે. મૂર્ખને ઉપદેશક શત્રુ લાગે છે. ચરિત્રહીન સ્ત્રીને પોતાનો પતિ જ શત્રુ લાગે છે. ચોરોને ચંદ્રમાં શત્રુ લાગે છે.
જાનવર કોણ?
(૩૮) એવા માણસો જાનવર જ હોય છે જે ભણેલા-ગણેલા નથી, જેઓ દાન-પુણ્ય કરતા નથી, જેમનામાં દયા નથી, જેઓ ધર્મનું પાલન કરતા નથી. આવા મનુષ્યો જાનવર જ હોય છે અને ધરતી પર બોજ હોય છે. (૩૯) સેવાનો અવસર આવે ત્યારે સેવકોની ખબર પડે છે. સંકટ સમયે સંબંધીઓના પ્રેમની ખબર પડે છે. તમે જ્યારે નિર્ધન થઈ જાવ છો, ત્યારે જ પત્નીના પ્રેમની ખબર પડે છે. (૪૦) આયુષ્ય, કર્મ, ધન, વિદ્યા અને મૃત્યુ આ પાંચેય વસ્તુઓ તે જ સમયે તેના ભાગ્યમાં લખી દેવામાં આવે છે જ્યારે તે ગર્ભમાં હોય. (૪૧) ધનનો નાશ થઈ જાય, મનની શાંતિનો ભંગ થઈ જાય. હૃદયમાં પત્નીની ચરિત્રહીનતાની શંકા હોય અને કોઈ તુચ્છ વ્યક્તિ અપમાન કરી ગઈ હોય- આ વાતો બુદ્ધિમાન માણસ કોઈને કહેતો નથી. (૪૨) ધર્મનો ત્યાગ કરવાથી ધન મળે અને દુશ્મનના શરણે જવાથી પણ ધન મળે તો તે કરતાં નિર્ધન રહેવું સારું. (૪૩) શક્તિશાળી દુશ્મન કરતાં કમજોર મિત્ર વધુ હાનિકારક છે, કારણ કે કમજોર મિત્ર ક્યારેય પણ વિશ્વાસઘાત કરી બેસે છે. (૪૪) ઈર્ષા અસફળતાનું બીજું નામ છે. બીજાની સફળતા જોઈને નિષ્ફળ વ્યક્તિ ઈર્ષાળુ બની જાય છે.
આ બધાં જ નીતિસૂત્રો સાહિત્યરત્ન પ્રો.રમણભાઈ એમ.ઠક્કર દ્વારા સંપાદિત `ચાણક્યનાં નીતિસૂત્રો’ નામના પ્રવીણ પુસ્તક ભંડાર દ્વારા પ્રકાશિત પુસ્તકમાં એમના જ સૌજન્યથી અહીં મૂકવામાં આવ્યાં છે.

Be Sociable, Share!