સર વિન્સ્ટન ચર્ચિલ બ્રિટનના વડાપ્રધાન હતા. બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલર સામે બ્રિટન અને સાથી દેશોને વિજય અપાવ્યો હતો. તેઓ તેમનાં પ્રવચનો માટે જાણીતા હતા. લેખક અને સાહિત્યકાર પણ હતા. તેમનું આખું નામ સર વિન્સ્ટન લિઓનાર્ડ સ્પેન્સર ચર્ચિલ હતું. તેમનો જન્મ તા.૩૦ નવેમ્બર, ૧૮૪૭ના રોજ બ્લેનહેઇમ પેલેસ, ઓક્સફર્ડ શાયર, ઈંગ્લેન્ડ ખાતે થયો હતો. ફેન્કલીન રૂઝવેલ્ટ અને જોસેફ સ્ટાલિનની સાથે મળીને એડોલ્ફ હિટલર સામે બીજું વિશ્વયુદ્ધ લડવા તેમણે ગજબની વ્યૂહરચના ગોઠવી હતી. તેમનાં માતા જેની જેરોમી એક સૌંદર્યસમ્રાજ્ઞી હતાં. તેઓ ડ્યૂક્સ ઓફ માર્લ લોરોના સીધાં વંશજ હતાં. તેમનો પરિવાર એરિસ્ટોક્રેટ હતો. તેમના દાદા જ્હોન સ્પેન્સર ચર્ચિલ પણ બ્રિટનની પાર્લામેન્ટના સભ્ય હતા. તેમના પિતાનું નામ લોર્ડ રેન્ડોલ્ફ ચર્ચિલ હતું અને તેઓ પણ બ્રિટનની પાર્લામેન્ટના સભ્ય હતા.સર વિન્સ્ટન ચર્ચિલનું બચપણ બરાબર વીત્યું નહોતું. પિતાના મૃત્યુ બાદ તેઓ રોયલ કેવલરીમાં જોડાયા હતા. પત્રકારત્વ પણ કર્યું. ક્યૂબન વૉરનું રિપોર્ટિંગ કર્યું હતું. મિલિટરીમાં રહ્યા તે દરમિયાન તેમણે ભારત યાત્રા પણ કરી હતી. પૂરા નવ મહિના સુધી તેઓ ભારતમાં રહ્યા હતા. તેઓ તેમના વિચારો બેધડક જાહેર કરી દેતા. યુદ્ધ દરમિયાન તેઓ પ્રિઝનર ઓફ વૉર પણ રહ્યા અને સૈનિકોની જેલમાંથી ભાગવામાં સફળ રહ્યા. બ્રિટન પાછા ફર્યા બાદ ઈ.સ. ૧૯૦૦ની સાલમાં તેઓ રાજનીતિમાં પ્રવેશ્યા અને બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય બન્યા. પહેલાં તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્ય હતા પરંતુ ચાર વર્ષ બાદ તેઓ લિબરલ પાર્ટીમાં જોડાયા હતા. તેઓ પહેલા અને બીજા વિશ્વયુદ્ધ એમ બંને વિશ્વયુદ્ધોના સાક્ષી રહ્યા. બ્રિટન તેમને `ગ્રેટ વૉર ટાઈમ લીડર’ તરીકે યાદ કરે છે.
સર વિન્સ્ટન ચર્ચિલ ચિરૂટના શોખીન હતા. તેઓ ૯૦ વર્ષ સુધી જીવ્યા. મોટા ભાગના લોકો તેમને પોલિટિશિયન તરીકે જાણે છે પરંતુ બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે તેઓ એક શ્રેષ્ઠ આર્ટિસ્ટ, ચિત્રકાર પણ હતા. યુવાનીમાં તેમણે ૫૦૦થી વધુ પેઇન્ટિંગ્સ દોર્યાં હતાં. સર વિન્સ્ટન ચર્ચિલ જ એક એવી વ્યક્તિ હતા જેમને અમેરિકાના ઓનરરી સીટિઝન બનવાનું સન્માન પ્રાપ્ત થયું હતું. એ જ રીતે સર વિન્સ્ટન ચર્ચિલને ૧૯૫૩માં સાહિત્ય ક્ષેત્રે તેમના પ્રદાન બદલ નોબેલ પ્રાઈઝ એનાયત થયું હતું. તેઓ એકમાત્ર બ્રિટનના વડાપ્રધાન છે કે જેમને નોબેલ પ્રાઈઝ મળ્યું હોય. બીજી નોંધપાત્ર વાત એ છે કે સર વિન્સ્ટન ચર્ચિલ જ એક એવા સંસદસભ્ય રહ્યા કે જેમણે બ્રિટનના છ રાજાઓના છત્ર હેઠળ સંસદસભ્ય તરીકેની કામગીરી બજાવી. તેઓ કુલ ૫૫ વર્ષ સુધી બ્રિટનની પાર્લામેન્ટના સભ્ય રહ્યા. ૧૯૦૦ની સાલમાં તેમણે રાજનૈતિક સફર શરૂ કરી જે ૧૯૫૫ સુધી ચાલી. તેઓ બે વખત બ્રિટનના વડાપ્રધાન બન્યા. પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરીમાં સર્વિસ દરમિયાન તેઓ યુદ્ધકેદી પણ રહ્યા. બે વખત તેમને બ્રિટિશ કોઈન પર સ્થાન મળ્યું.
વિન્સ્ટન ચર્ચિલનાં વિધાનો
આવા લેજન્ડરી પૂર્વ બ્રિટિશ વડાપ્રધાનનાં કેટલાંક ક્વૉટ્સ-વિધાનો જાણવા જેવાં છે. તેમણે કહ્યું હતું: (૧) જો તમે નર્કમાંથી પસાર થઈ રહ્યા છો તો પણ ચાલતા જ રહો. (૨) કદી કોઈ વાતને કે પ્રયત્નને અધૂરાં છોડતા નહીં. નેવર ગિવ અપ. (૩) સફળતા અંતિમ નથી અને નિષ્ફળતા ઘાતક નથી. આગળ વધવાની હિંમત જોઈએ. (૪) બદલો બહુ મોંઘો પડે છે અને લક્ઝરીને ખૂબ નુકસાન કરે છે. (૫) કોઈ પણ જાતના કાયદા ન હોવા એ કરતાં કડક કાયદા વધુ સારા છે.(૬) આપણું ભવિષ્ય નક્કી કરવાની કોઈ સત્તા આપણી પાસે નથી. (૭) વ્યક્તિગત રીતે હું હંમેશાં કાંઈક શીખવા તૈયાર છું પરંતુ મને કોઈ કાયમી શીખવ્યા જ કરે તો તેને હું પસંદ કરતો નથી. (૮) જો તમે મુક્ત બજારનો નાશ કરો છો તો કાળાબજારનું, બ્લેકમાર્કેટનું સર્જન કરો છો. (૯) મહાન બનવાની કિંમત છે-`જવાબદારી’ (૧૦) તમે બહુમતીથી કેન્સર મટાડી ન શકો. (૧૧) લોકશાહીની વિરુદ્ધની સહુથી મોટી દલીલ એ છે કે તમે એક સરેરાશ મતદાર સાથે પાંચ મિનિટ વાત કરી શકો. (૧૨) અમે કોઈની પર દયા કરીશું પણ દયાની યાચના કદી નહીં. (૧૩) બિનજરૂરી સંશોધનોથી સાવધ રહેવાની જરૂર છે. (૧૪) જો તમારી પર ૧૦ હજાર નિયંત્રણો-રેગ્યુલેશન્સ છે તો તમે કાયદા માટેનું તમામ સન્માન ગુમાવો છે. (૧૫) ન બોલાયેલા શબ્દોના આપણે સ્વામી છીએ પરંતુ જીભમાંથી સરકી ગયેલા શબ્દના આપણે ગુલામ છીએ. (૧૬) અનેક જટિલતાઓમાંથી જ `સરળતા’ જન્મે છે. (૧૭) ઊભા થવું અને બોલવું તે માટે હિંમત જોઈએ પણ બેસી જવું અને બીજાને શાંતિથી સાંભળવા માટે પણ હિંમત જોઈએ. (૧૮) આપણને જે મળે છે તેમાં જીવીએ છીએ પણ બીજાને જે આપીએ છીએ તેમાંથી `જીવન’ બને છે. (૧૯) મને કોઈ એક્શન લેવાની કોઈ ચિંતા નથી. કોઈ જ એક્શન ન લેવું તેની જ ચિંતા રહે છે. (૨૦) શક્તિ કે ઈન્ટેલિજન્સ દ્વારા જ કોઈ સમસ્યા હલ થતી નથી. સતત પ્રયત્નશીલ રહેવાથી જ પ્રશ્નો હલ થાય છે. (૨૧) હિંમત જ માનવીની શ્રેષ્ઠ ક્વોલિટી છે. (૨૨) લાઇબ્રેરી સિવાય માનવીને કોઈ સન્માનનીય બનાવી શકે નહીં. (૨૩) ઇતિહાસ મારી સાથે ત્યારે જ ભલમનસાઈ દાખવશે જ્યારે હું તે લખવાનો, રચવાનો પ્રયાસ કરું. (૨૪) એક નિરાશાવાદી દરેક તકમાં મુશ્કેલી નિહાળે છે જ્યારે એક આશાવાદી દરેક મુશ્કેલીમાં એક તક નિહાળે છે. (૨૫) જો તમારે દુશ્મન છે તો સમજો કે તમે જીવનમાં કાંઈક મેળવ્યું છે. (૨૬) મારી પાસે લોહી, પરસેવો અને આંસુ સિવાય કાંઈ જ ઓફર કરવા જેવું નથી. (૨૭) ભવિષ્યનાં સામ્રાજ્યો `માઈન્ડ’નાં સામ્રાજ્યો હશે. (૨૮) એક નિષ્ફળતામાંથી બીજી નિષ્ફળતામાં જવાની ક્ષમતામાંથી જ સફળતા જન્મે છે. (29) વિશ્વમાં ઘણાંબધાં જૂઠ ફેલાયેલાં છે પરંતુ તેમાંથી અડધાં સાચાં પણ છે.
પાગલો પણ….
સર વિન્સ્ટન ચર્ચિલ કહે છે: (૩0) પાગલ પણ કેટલીક વાર સાચા હોય છે તે જ જીવનનો શ્રેષ્ઠ પદાર્થપાઠ છે. (૩1) કાંઈક ઊભું કરવા માટે વર્ષો જોઈએ પણ તેને ધ્વસ્ત કરવા માટે એક જ દિવસ જોઈએ. (૩2) યુદ્ધમાં તમારે એક જ વાર મરવાનું હોય છે પણ રાજનીતિમાં અનેક વાર. (૩3) અનિષ્ટનું સર્જન બહુ જલદી થઈ શકે છે પણ તેનો ઉપચાર કરતાં વાર લાગે છે. (૩૪) સત્તા એક એવું ડ્રગ્સ છે જેને એક વાર ચાખો એટલે તેનું ઝેર જિંદગીભર શરીરમાં રહે છે. (૩૫) જે લોકો યુદ્ધને સારી રીતે જીતી શકે છે તે લોકો ભાગ્યે જ શાંતિ લાવી શકે છે અને જે લોકો શાંતિ લાવી શકે છે તેઓ ભાગ્યે જ યુદ્ધ જીતી શકે છે. (૩૬) પોલિટિક્સ રમત નથી પરંતુ અર્નેસ્ટ બિઝનેસ છે. (૩૭) હું રાત્રે પીધેલો હોઈ શકું છું પરંતુ સવારે હું સોબર હોઈશ અને તમે અગ્લી-કદરૂપાં. (૩૮) યુનિવર્સિટીઓની પહેલી ફરજ `વિઝડમ’- ડહાપણ શીખવવાની છે, ધંધો-બિઝનેસ, ચારિત્ર્ય કે ટેક્નિકાલિટીઝ નહીં આપણને આધુનિક વિશ્વમાં ઘણાબધા ઈજનેરોની જરૂર છે પણ `ઈજનેરોનું જ વિશ્વ નહીં.’ (૩૯) ન્યૂઝ-સમાચારો વાંચવા કરતાં સમાચારો- ન્યૂઝ સર્જવા અને વિવેચક બનવું તે કરતાં એક્ટર બનવું વધુ સારું છે. (૪૦) તંદુરસ્ત નાગરિકો જ કોઈ પણ રાષ્ટ્રની સાચી મૂડી-સંપત્તિ છે.
– સર વિન્સ્ટન ચર્ચિલના વિચારો-વિધાનો અહીં પૂરાં થાય છે. તા.૨૪ જાન્યુઆરી, ૧૯૬૫ના રોજ ૯૦ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.



