દેશ અને દુનિયાના તમામ દેશોમાં હવે પોર્ન-અશ્લીલ સાહિત્ય અને તસવીરોવાળી સામગ્રી આસાનીથી ઉપલબ્ધ છે. એમાંયે સ્માર્ટ મોબાઈલ ફોને તો દાટ વાળી નાંખ્યો છે. કહેવાય છે કે, મહિલાઓ વિરુદ્ધ કરાતા અપરાધોમાં પોર્નનો મોટો હાથ છે. પશ્ચિમના દેશોમાં પોર્ન સામગ્રી-બ્લૂ ફિલ્મ જોવાવાળા જ્યારે તેના મોબાઈલ કે કમ્પ્યૂટર પર જોતા પકડાઈ જાય છે તો કહે છે કે એ જોવાથી તનાવ દૂર થાય છે. એક અધ્યયન અનુસાર ઘણા બધા દેશોમાં શારીરિક સંબંધ બાંધવા માટે છોકરાની ઉંમર ૧૭ વર્ષની માનવામાં આવે છે અને પશ્ચિમના એ દેશોમાં આ ઉંમર સુધી પહોંચતા પહેલાં તે છોકરો કોઈ ને કોઈ રીતે ૧૪૦૦ વાર પોર્ન નિહાળી ચૂક્યો હોય છે. નિષ્ણાતોના મત મુજબ અનેકવાર પોર્ન જોવાથી ખૂબ નુકસાન થાય છે. વારંવાર પોર્ન જોવાથી નકારાત્મક અને હિંસક પ્રવૃત્તિને વેગ મળે છે. વળી, પોર્ન જોવાની આદત પડી જાય તો તેને છોડવામાં બહુ જ મુશ્કેલી પડે છે.
૨૦૨૩માં થયેલા એક અધ્યયન અનુસાર જે ૨૦ જેટલા દેશોમાં સહુથી વધુ વાર પોર્ન જોવામાં આવ્યું તે દેશોમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, કેનેડા, ઈટલી, મેક્સિકો, જર્મની, ફિલિપાઈન્સ, બ્રાઝિલ, સ્પેન, પોલેન્ડ, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, યુક્રેન, રશિયા, દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના, સ્વિડન અને ચીલીનો સમાવેશ થાય છે.
આ અધ્યયની ફલશ્રુતિમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં બે લાખ લોકો પોર્ન એડિક્ટ્સ છે. એટલે કે અમેરિકામાં બે લાખ લોકો પોર્ન નિહાળ્યા વગર રહી શકતા નથી. કહેવાય છે કે એ દેશોમાં સહુથી વધુ પોર્ન જોવામાં આવે છે જ્યાં શારીરિક સંબંધો પર પ્રતિબંધ છે, પરંતુ સાવ એવું નથી. અમેરિકા અને યુરોપના દેશો કે જેઓ શારીરિક સંબંધોની બાબતમાં ઉદારમતવાદી છે ત્યાં પણ સહુથી વધુ પોર્ન જોવાય છે. દુનિયાભરમાં મહિલાઓ માટે કામ કરતાં સંગઠનો એ વાત સાથે સંમત છે કે મહિલાઓ પ્રતિ અપરાધોમાં પોર્નનો મુખ્ય રોલ છે, પરંતુ એની સાથે સાથે એ વાત પણ સાચી છે કે એ બધા દેશોમાં ઘણી બધી મહિલાઓ પણ પોર્ન જોવાની ટેવ ધરાવે છે. ફ્રાન્સમાં યુવક-યુવતીઓ પોર્ન ના જુએ તે માટે એ દેશે ઘણા પ્રયાસો કર્યા, પણ સફળતા મળી નથી.
ચિંતાની વાત એ છે કે મોબાઈલ ફોન અને કમ્પ્યૂટર્સ પર એવી કેટલીયે પોર્ન સાઈટ્સ છે જ્યાં પોર્ન સામગ્રી આસાનીથી ઉપલબ્ધ છે. મુશ્કેલીની વાત એ છે કે સરકારોના અનેક પ્રયાસ પછી પણ પોર્ન સાઈટ્સ બંધ કરી શકાતી નથી.
ભારતની વાત. ભારતના કેટલાક લોકો પણ પોર્ન નિહાળવામાં પાછળ નથી. જ્યારથી લોકોના હાથમાં મોબાઈલ ફોન આવ્યો છે ત્યારથી ભારતમાં પણ પોર્ન જોવાવાળાઓની સંખ્યા વધી છે. ભારતમાં કેન્દ્ર સરકારે ઘણી બધી પોર્ન સાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ આજે પણ મોબાઈલ ફોનના સ્ક્રીન પર કેટલીયે પોર્ન સાઈટ્સ ઉપલબ્ધ છે. રોજ એક નવી પોર્ન સાઈટ ખૂલતી જાય છે. તેને રોકવી એ મુશ્કેલ કામ છે.
અન્ય દેશોની સાથે ભારતમાં પણ કેટલાક લોકો મોબાઈલ ફોન પર પોર્ન નિહાળીને આસપાસની કોઈ પણ યુવતી સાથે, અરે સગીરા સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી દે છે. તેનું મુખ્ય કારણ એ છે કે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી કે બાળા ફરિયાદ કરવા જીવતી જ ના હોય. ગયા જુલાઈ મહિનામાં મધ્ય પ્રદેશના રીવા નામના શહેરમાં એક સગા ભાઈએ પોર્ન નિહાળ્યા બાદ તેની ૯ વર્ષની સગી બહેન સાથે દુષ્કર્મ કરી દીધું હતું. બહેને તેના પિતાને આ બાબતે ફરિયાદ કરી તો સગા ભાઈએ પોતાની બહેનની હત્યા કરી દીધી.
એ જ રીતે મધ્ય પ્રદેશના સતના શહેરમાં પાંચ વર્ષની એક બાળા તેના શિક્ષકના ઘેર ટ્યુશન કરવા માટે જતી હતી. તેનો જ શિક્ષક એ બાળાને મોબાઈલ પર પોર્ન વીડિયો બતાવતો હતો. તે પછી એણે એ બાળકી સાથે દુષ્કર્મ કરી દીધું હતું.
કોલકાતામાં એક તાલીમી મહિલા તબીબ સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી દેવામાં આવી તે તો હમણાનું જ ઉદાહરણ છે. આવું કૃત્ય કરનારા અધિકાંશ અપરાધીઓ પોર્ન વીડિયો જોવાની લત ધરાવતા હતા.
મહિલાઓ સાથે દુષ્કર્મ કરનાર અપરાધીઓની પૂછતાછમાં જ માલૂમ પડ્યું હતું કે એ અપરાધીઓ સતત પોર્ન વીડિયો નિહાળતા હતા.
મનોવૈજ્ઞાનિકો કહે છે કે મોટાભાગના લોકો શરાબ કે ડ્રગ્સનો નશો કર્યો બાદ પોર્ન જોવાની ટેવ ધરાવતા હતા અને શારીરિક સંબંધ માટે ઉત્તેજના અનુભવ્યા બાદ નશામાં જ દુષ્કર્મ અને હત્યા કરી દેવાનું કૃત્ય કરતા હતા.
કેટલાક સમય પહેલાં મુંબઈમાં ૯ અને ૧૦ વર્ષના છોકરાઓએ જ એક નાની બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. નાના છોકરા પણ આટલી નાની ઉંમરે ચોરી છૂપીથી પોર્ન નિહાળી લેતા હોય છે અને તેમનાં માતા-પિતાને આ વાતની ખબર પણ હોતી નથી. આજે પણ માતા-પિતા તેમનાં બાળકો પાસેથી મોબાઈલ છીનવી લે તો બાળકો હિંસક બની તેનો વિરોધ કરતાં હોય છે.
પોર્નની બાબતમાં ભારત તો એક રૂઢિચુસ્ત દેશ છે. ભારતનાં છબીઘરોમાં પોર્ન ફિલ્મો કદી પ્રદર્શિત કરી શકાતી નથી, પરંતુ ઘણા ઓછા લોકોને એ વાતની ખબર છે કે મોબાઈલ ફોન આવ્યો તે પહેલાં એટલે કે આજથી ૫૦ વર્ષ પહેલાં ન્યૂયોર્કનાં કેટલાંક છબીઘરોમાં અશ્લીલ ફિલ્મો 35 એમ. એમ.ના પડદા પર પ્રદર્શિત કરાતી હતી અને તેની પર કોઈ પ્રતિબંધ નહોતો. લંડનના પિકાડિલી વિસ્તારની કેટલીક ગલીઓમાં પણ આજથી ૫૦ વર્ષ પહેલાં કેટલાંક નાનાં ૫૦ કે ૬૦ બેઠકોવાળાં છબીઘરોમાં અશ્લીલ ફિલ્મો પ્રદર્શિત થતી હતી. એ ફિલ્મોનું પ્રદર્શન કાનૂની હતું કે ગેરકાનૂની એની ખબર નથી. કહેવાય છે કે એ જમાનામાં નેધરલેન્ડમાં અશ્લીલ ફિલ્મોનું સહુથી વધુ નિર્માણ થતું હતું.
પોર્નોગ્રાફી અને જાતીય હિંસા વચ્ચે શું સંબંધ છે તે જાણવા માટે રેકવેલ કેનેડી બર્ગમેન અને કેથેલીન બોગલે દુષ્કર્મનો ભોગ બનેલી પણ હત્યાથી બચી ગયેલી ૧૦૦ જેટલી યુવતી પર ૨૦૦૦ની સાલમાં સંશોધન કર્યું હતું. ક્રાઈસીસ સેન્ટરમાં રહેલી આ પીડિતાઓ પરના અધ્યયનની ફલશ્રુતિ એ હતી કે એ તમામ ૧૦૦ યુવતીઓએ કહ્યું હતું કે તેમની સાથે થયેલા દુષ્કર્મની બાબતમાં જે લોકોએ તેમની સાથે દુષ્ક્રમ કર્યું હતું તેમાંથી મોટા ભાગના લોકો પોર્નોગ્રાફીના એડિક્ટ હતા. જ્યારે ૧૪ ટકા યુવતીઓએ કહ્યું હતું કે તેમની સાથે થયેલી જાતીય હિંસાની બાબતમાં પોર્નોગ્રાફીનો રોલ મર્યાદિત હતો.
અમેરિકામાં તો પોર્નોગ્રાફી અને જાતીય હિંસા વચ્ચે સહુથી વધુ સંબંધ હોવાનું જણાયું હતું.
જાતીય વ્યવહાર અંગે આજના સમયમાં મોબાઈલ કે લેપટોપ પર આસાનીથી અશ્લીલ વીડિયો જ ઉપલબ્ધ છે.
કહેવાય છે કે મનોરંજન માટે બનતી ફિલ્મોની જેમ પોર્નોગ્રાફી પણ વિશ્વમાં એક મોટો ઉદ્યોગ બની ગયો છે. કેટલીક કંપનીઓ પોર્નોગ્રાફીનું પ્રોડક્શન પણ કરે છે અને ડિસ્ટ્રિબ્યુશન પણ કરે છે. તેમાં ફોટા, પુસ્તકો, ઓડિયો, એનિમેશન મુવીઝ, અશ્લીલ મુવીઝ, અશ્લીલ રમકડાં અને વીડિયો ગેમ્સનો પણ સમાવેશ થાય છે.
એવું કહેવાય છે કે વિશ્વભરમાં પોર્નોગ્રાફી ઈન્ડસ્ટ્રીઝ પ્રતિ વર્ષ ૫૭ બિલિયન ડોલરનો છે એટલે કે કેટલીક કંપનીઓ માત્ર પોર્નોગ્રાફી બિઝનેસ દ્વારા વર્ષે દહાડે ૫૭ બિલિયન ડોલરની કમાણી કરે છે.
નોંધપાત્ર વાત એ છે કે જો તમારે બોલિવૂડમાં એક ફિલ્મ બનાવવી હોય તો એક ફિલ્મમાં કામ કરવાના રૂ. ૧૦૦ કરોડ અને ફિલ્મ અભિનેત્રીને એક ફિલ્મમાં અભિનય કરવાના રૂ. ૫૦થી ૭૫ કરોડ આપવા પડે છે. જ્યારે અશ્લીલ વીડિયો બનાવવા માટે કામ કરતી યુવતી કે યુવકને સાવ સસ્તામાં રોકી શકાય છે.
એક અશ્લીલ વીડિયો બનાવનારને કોઈ મોટા સ્ટુડિયોની જરૂર પડતી નથી. એક મકાનના બેડરૂમમાં જ સીન શૂટ કરી શકાય છે. આવો અધમ ધંધો કરનારા માત્ર કમ્પ્યૂટર પર ઈન્ટરનેટ દ્વારા લાખો-કરોડો લોકો સુધી થોડી જ વારમાં અશ્લીલ વીડિયો પહોંચાડી દે છે. એવા વીડિયોના પ્રદર્શન માટે છબીઘરોની પણ જરૂર રહેતી નથી અને છબીઘરનું ભાડું પણ ચૂકવવું પડતું નથી. એવા વીડિયોઝ કે ફિલ્મોની જાહેરાત માટે મોટા હોર્ડિગ્સની પણ જરૂર પડતી નથી.
પહેલાં તો ઈન્ટરનેટ શહેરો પૂરતું જ ઉપલબ્ધ હતું. હવે તો દૂરદૂરનાં ગામો સુધી ઈન્ટરનેટ પહોંચી ગયું છે. એક અભ્યાસ મુજબ ૨૦૦૪માં ભારતમાં ઈન્ટરનેટ એક્સેસનો ગ્રોથ ૫૦ લાખ હતો. દર વર્ષે તે ૧૭ ટકાના દરથી વધે છે. ઈન્ટરનેટની વેબસાઈટ્સ પર ૧૪ ટકા એવી વેબસાઈટ્સ છે કે જે માત્ર પોર્નોગ્રાફી જ પ્રદર્શિત કરે છે. અમેરિકાને લાગેવળગે છે ત્યાં સુધી અશ્લીલ વીડિયો જોનારા અમેરિકનો પ્રતિ સેકન્ડ ૩૦૦૦થી ૪૦૦૦ ડોલર ખર્ચે છે. એટલે કે જો એ લોકોને પોર્નોગ્રાફી જોવી હોય તો જે તે વેબસાઈટ્સના ચાર્જ મુજબ ઈન્ટરનેટથી જ ડોલરની ચુકવણી કરવી પડે છે.
એક જાણીતા ફેમિનિસ્ટ મહિલા કહે છે કે, `પોર્નોગ્રાફી એ થિયરી છે અને દુષ્કર્મ તેની પર આધારિત પ્રેક્ટિસ છે.’
એ વાત પણ જાણી લેવી જોઈએ કે `પોર્નોગ્રાફી’ એ ગ્રીક શબ્દ છે. તેનો અસલ અર્થ `રાઈટિંગ અબાઉટ પ્રોસ્ટિટ્યુશન’ એવો થાય છે, પરંતુ હવે એનો અર્થ અશ્લીલ સામગ્રીમાં બદલાઈ ગયો છે.
એક અભ્યાસ મુજબ પોર્નોગ્રાફીના કારણે પુરુષો સ્ત્રીઓ પ્રત્યે વધુ આક્રમક અને હિંસક થઈ જાય છે.
આ પશ્ચાદ ભૂમિકા જોતાં હવે દરેક વાલી, માતા-પિતાની ફરજ છે કે તેઓ તેમના સગીર કે યુવાનીમાં ડગ માંડી રહેલા પુત્ર કે પુત્રી જ્યારે સવારથી માંડીને મોડી રાત સુધી મોબાઈલના સ્ક્રીન પર વ્યસ્ત હોય છે તો તે શું જુએ છે તેનું ધ્યાન પણ રાખવું પડશે. મોબાઈલ ફોન હવે એક જરૂરી અનિષ્ટ છે. તે ઉપયોગી અને જોખમી પણ છે.



