Close

નોબેલ પ્રાઈઝ વિજેતા જ્યોર્જ બનાર્ડ શૉ કહે છે-માનવી એક એવું પ્રાણી છે જેનાથી હું સૌથી વધુ ડરું છું

રેડ રોઝ | Comments Off on નોબેલ પ્રાઈઝ વિજેતા જ્યોર્જ બનાર્ડ શૉ કહે છે-માનવી એક એવું પ્રાણી છે જેનાથી હું સૌથી વધુ ડરું છું
જ્યોર્જ બનાર્ડ શૉ જાણીતા સાહિત્યકાર અને નાટ્યલેખક હતાં.
વર્ષો પહેલાં એક ગુજરાતી ફિલ્મ આવી હતી, `સંતુ રંગીલી’. આ ફિલ્મ મૂળ જ્યોર્જ બનાર્ડ શૉ નામના સુપ્રસિદ્ધ લેખકની કૃતિ `પિગ્મેલિયન’ પર આધારિત હતી. `પિગ્મેલિયન’ પર જ આધારિત અંગ્રેજી ફિલ્મ બની હતી, `My fair lady’
જ્યોર્જ બનાર્ડ શૉ નોબેલ પ્રાઈઝ વિજેતા હતા. તેમનો જન્મ તા.૨૬ જુલાઈ, ૧૮૫૬ના રોજ ડબ્લીન (આયરલેન્ડ) ખાતે થયો હતો. તેઓએ લખેલી શ્રેષ્ઠ રમૂજી નાટ્યકૃતિઓ માટે ૧૯૨૫માં તેમને નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. તેમને નોબેલ પ્રાઈઝ મળ્યું ત્યારે કેટલાક મિત્રોએ મિજબાનીનું આયોજન કર્યું હતું. પાર્ટીમાં જાતજાતની માંસાહારી વાનગીઓ બનાવવામાં આવી હતી. જ્યોર્જ બર્નાડ શૉએ માંસાહારી વાનગીઓ જમવાનો ઈન્કાર કર્યો. મિત્રોએ પૂછ્યું કે, `તમે નોનવેજિટેરિયન વાનગીઓ કેમ ખાતા નથી?
તો બર્નાર્ડ શૉએ જવાબ આપ્યો કે, `મારું પેટ મરેલાં પ્રાણીઓનું કબ્રસ્તાન નથી.’
જ્યોર્જ બર્નાર્ડ શૉએ અંગ્રેજી ભાષામાં શ્રેષ્ઠ નાટ્યકૃતિઓ આપી છે. તેમની શ્રેષ્ઠ કૃતિઓમાં : (૧) સીઝર એન્ડ ક્લિયોપેટ્રા (૨) ડોન જુબાન ઈન હેલ (૩) મેન એન્ડ સુપરમેન (૪) મેજર બાર્બરા (૫) હાર્ટ બ્રેક હાઉસ વગેરેનો સમાવેશ થાય છે. તેમનું શરૂઆતનું જીવન ગરીબી અને અભાવોમાં વીત્યું. ગરીબીના કારણે અપમાનો પણ સહન કરવાં પડ્યાં. ડબ્લીનથી લંડન આવ્યા બાદ ફિક્શન લખવાની શરૂઆત કરી. શરૂઆતની તેમની કેટલીક નવલકથાઓ નિષ્ફળ રહી. ગરીબીમાં હોવા છતાં તેઓ બ્રિટિશ મ્યુઝિયમના રીડિંગરૂમમાં સમય પસાર કરતા હતા. સ્કૂલો છોડવી પડી હતી, તેથી વાંચવાનું જે બાકી રહી ગયું હતું તે અહીં વાંચવાનું અને તે પછી લખવાનું પણ શરૂ કર્યું. તેમની પ્રથમ નવલકથા નિષ્ફળ ગયા બાદ તેમણે લખેલી બીજી ચાર નવલકથાઓ છાપવા પ્રકાશકોએ ઈન્કાર કરી દીધો. શરૂઆતમાં તેઓ જે લખતા હતા તેમાંથી આખા વર્ષમાં માંડ ૧૦ શિલિંગની આવક થતી.
સમય જતાં તેઓ શાકાહારી અને સોશિયાલિસ્ટ બની ગયા. તે પછી લોકોને મંત્રમુગ્ધ કરી દેનારા વક્તા પણ બની ગયા. તે પછી તેમણે નાટકો લખવાની શરૂઆત કરી. ૧૮૮૪માં તેમણે `ફેબિયન સોસાયટી’ની સ્થાપના કરી. તે પછી તેમણે જે નાટકો લખ્યાં તે અંગ્રેજી સાહિત્યમાં અમર બની ગયાં. ૧૯૧૩ની પૂર્વે તેમણે લખેલું નાટક `પિગ્મેલિયન’ માસ્ટર પીસ બની ગયું. એ સમયના ઈંગ્લિશ લોકોની ક્લાસ સિસ્ટમ પર કટાક્ષ કરતું આ કોમેડી નાટક હતું. નાટકનો સાર એ હતો કે ફૂલો વેચતી એક ગરીબ અને નહીં ભણેલી યુવતીને સુધારવાનું બીડું પ્રો. હેન્રી હિગિન્સ ઝડપે છે, પરંતુ કથાના અંતે બહુ ભણેલા પ્રોફેસર કરતાં ફૂલવાળી યુવતી વધુ શાલીન સાબિત થાય છે. ૧૯૩૮માં `પિગ્મેલિયન’ પરથી ફિલ્મ પણ બની અને એકેડેમી એવોર્ડ જીતી ગઈ. એ જ વિષય પરથી ૧૯૫૬માં અને ૧૯૬૪માં `માય ફેર લેડી’ ફિલ્મ બની.
હવે જ્યોર્જ બર્નાડ શૉનાં કેટલાક કોટ્સ-વિધાનો જુઓ:
તેઓ કહે છે: (૧) યોગ્ય તક આવે તેની રાહ ના જુઓ. તમે જાતે જ તક ઊભી કરો. (૨) આશાવાદી લોકો અને નિરાશાવાદી લોકો બંને સમાજમાં કોઈ ને કોઈ પ્રદાન કરે છે. દા.ત., આશાવાદી લોકો વિમાનની શોધ કરે છે અને નિરાશાવાદી લોકો પેરાશૂટની શોધ કરે છે. (૩) જેઓ પોતાનું માઈન્ડ બદલી શકતા નથી તેઓ કાંઈ પણ બદલી શકતા નથી. (૪) આપણે રમવાનું બંધ કરવું ના જોઈએ, કારણ કે આપણે જ્યારે વૃદ્ધ થઈ જઈએ છીએ ત્યારે આપણે રમવાનું બંધ કરી દઈએ છીએ. (૫) ભૂલને અને સફળતાને સંબંધ નથી એવું નથી. એટલું જ સમજી લો કે એકવાર થયેલી ભૂલનું ફરી પુનરાવર્તન ના કરો. (૬) જીવનને ભૂલો કરવામાં વ્યતીત કરવું તે કાંઈ જ ના કરવા કરતાં વધુ ઓનરેબલ છે. (૭) પકડેલો રસ્તો છેવટે ક્યાંક તો લઈ જાય જ છે. (૮) ખોટા જ્ઞાનથી સાવધ રહો. અજ્ઞાન કરતાં ખોટું જ્ઞાન વધુ જોખમી છે. (૯) યુદ્ધ કોણ સારું લડે છે તે નક્કી કરતું નથી, પણ કોણ રહી ગયું તે નક્કી કરે છે. (૧૦) જીવનમાં બે જ પ્રકારની ટ્રેજેડીઝ છે. એક તો તમે તમારા હૃદયની ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત કરી શકતા નથી અને બીજું તમને તમારી ઈચ્છા પ્રમાણે મળી જાય છે તે (૧૧) સજ્જન વ્યક્તિ એ છે કે જે દુનિયા પાસેથી જે લે છે તે કરતાં દુનિયાને વધુ આપે છે. (૧૨) `લવ ફોર ફૂડ’ જેટલો બીજો કોઈ સાચો લવ નથી. (૧૩) હું ઘણા વખત પહેલાં જ શીખી ગયો છું કે ભૂંડ સાથે કદી કુસ્તી કરવી નહીં. એમ કરવાથી તમે જ ગંદા થશો અને ભૂંડને એ જ ગમે છે. (૧૪) જ્યોર્જ બર્નાડ શૉ કહે છે, અંગ્રેજી એ ખરાબ રીતે બોલવા માટેની સૌથી સરળ ભાષા છે. (૧૫) એક નિયમ બનાવો કે જે પુસ્તક તમે વાંચવા માટે તૈયાર નથી એ પુસ્તક તમારા બાળકને કદીયે વાંચવા આપશો નહીં. (૧૬) સ્વ નિયંત્રણ એ એક ગુણ છે. (૧૭) જીવન સરળ નથી, પરંતુ જો હિંમત હોય તો તે આનંદદાયક બની શકે છે. (૧૮) વ્હિસ્કી એ સૂર્ય પ્રકાશનું પ્રવાહી સ્વરૂપ છે. (નોંધ: શરાબનું સેવન હાનિકારક છે.) (૧૯) મારો ધર્મ? હું મિલિયોનર છું એ જ મારો ધર્મ છે. (૨૦) સુખી પરિવાર એ સ્વર્ગનું પૂર્વ સ્વરૂપ છે. (૨૧) જે માનવી ૨૦ વર્ષની વયે સામ્યવાદી નથી તે મૂર્ખ છે અને જે માનવી ૩૦ વર્ષની વયે પણ સામ્યવાદી નથી તે મહામૂર્ખ છે (બર્નાડ શૉ સામ્યવાદી હતા) (૨૨) જીવન મારા માટે મીણબત્તી નથી, પરંતુ ટોર્ચ લાઈટ છે. (૨૩) જો કોઈ મનુષ્યને તમે કાંઈ પણ શીખવવા પ્રયત્ન કરશો તો તે કદી શીખશે નહીં. (૨૪) ભૂતકાળને કારણે આપણે ડાહ્યા-વાઈજ બનતા નથી, પરંતુ ભવિષ્યની જવાબદારીઓના કારણે વાઈઝ બનીએ છીએ. (૨૫) જેટલું હું વધારે કામ કરું છું તેટલું વધારે હું જીવું છું. (૨૬) મોટા ભાગના લોકો પ્રાર્થના કરતા નથી, પરંતુ ભીખ જ માંગે છે. (૨૭) તમે દર્પણમાં તમારો ચહેરો જોવા માટે જુઓ છો, પરંતુ તમારા આત્માને જોવો હોય તો તમે તમારું કામ નિહાળો. (૨૮) બધા જ અર્થશાસ્ત્રીઓને ભેગા કરી તેમણે શું કહ્યું તે જોશો તો તમે કદીયે કોઈ નિરાકરણ પર આવી શકશો નહીં. (૨૯) આઝાદીનો મતલબ છે જવાબદારી (૩૦) ઈશ્વરને શોધવા હોય તો બગીચામાં જાવ. (૩૧) પૈસાનો અભાવ બધાં જ દૂષણોનું મૂળ છે. (૩૨) તમે જ્યાં સુધી કાયર નથી ત્યાં સુધી તમે હીરો થઈ શકશો નહીં. (૩૩) લગ્ન એક એવી વસ્તુ છે કે જ્યાં તમે બારી બંધ કર્યા વગર સૂઈ શકો નહીં અને બારી ખુલ્લી રાખીને સૂઈ શકો નહીં. (૩૪) સફળતાનું રહસ્ય એ છે કે તમારે ઘણા બધા લોકોનો સામનો-વિરોધ કરવો.(૩૫) આલ્કોહોલ એક એવું એનેસ્થેસિયા છે, જે જીવનના ઓપરેશન માટે કેટલાકના કામ આવે છે. (નોંધ – દારૂનું સેવન હાનિકારક છે.) (૩૬) માનવી જ એક એવું પ્રાણી છે જેનાથી હું સૌથી વધુ ડરું છું. (૩૭) હોટલ એક એવી જગા છે જ્યાં ઘરના જીવનથી કંટાળેલા લોકો માટે, રેફ્યૂજીસ માટે આશ્રયસ્થાન છે.
– આ છે ૧૭મી સદીના સુપ્રસિદ્ધ સાહિત્યકાર, રમૂજી નાટકોના લેખક અને સામ્યવાદી વિચારસરણી ધરાવતા જ્યોર્જ બર્નાર્ડ શૉનાં વિધાનો. જ્યોર્જ બર્નાર્ડ શૉનું અવસાન તા. ૨ નવેમ્બર, ૧૯૫૦ના રોજ હાર્ટ ફોર્ડ શાયર, ઈંગ્લેન્ડ ખાતે થયું હતું.

Be Sociable, Share!