Close

પાકિસ્તાન પર ભારતીય સેનાની એરસ્ટ્રાઈકથી ફફડી ઊઠ્યું પાકિસ્તાનના અણુબોમ્બની કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ કેવી છે?

રેડ રોઝ | Comments Off on પાકિસ્તાન પર ભારતીય સેનાની એરસ્ટ્રાઈકથી ફફડી ઊઠ્યું પાકિસ્તાનના અણુબોમ્બની કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ કેવી છે?
આખરે સારું જ થયું. ભારતના લશ્કરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ અનુસાર પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનમાં આવેલાં આતંકવાદી અડ્ડાઓને ધ્વસ્ત કરી દીધા છે. ૯૦ જેટલા આતંકવાદીઓને મારી નાંખવામાં આવ્યા છે. પાકિસ્તાનને ચીને આપેલી ડિફેસ સિસ્ટમ ફેલ ગઈ છે. પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. ભારતીય સેનાના આ પગલાંથી આખો દેશ ખુશ છે અને પાકિસ્તાન હતાશ થઈ ગયું છે. હવે પાકિસ્તાન શું કરશે તેની પર સૌની નજર છે
પાકિસ્તાન આખા વિશ્વ માટે એક ન્યૂસન્સ અને નોટોરિયસ કન્ટ્રી છે. ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઈબ્રાહિમને તેેણે પનાહ આપેલી છે. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર વિમાનો અથડાવી ૫૦૦૦ માનવીઓના ભોગ લેનારી આતંકવાદી ઘટનાનો માસ્ટર માઈન્ડ ઓસામા બિન લાદેન હતો અને પાકિસ્તાને તેને આશ્રય આપ્યો હતો. અફઘાનિસ્તાનથી આવેલા તાલિબાનોને પણ તેણે પનાહ આપેલી છે. પાકિસ્તાને વર્ષો પુરાણાં હિન્દુ મંદિરો ધ્વસ્ત કરી દીધાં છે. એથીયે વધુ ગંભીર વાત એ છે કે પાકિસ્તાન પાસે ઘરઆંગણે તેના નાગરિકોને ખવડાવવા પૂરતું અન્ન નથી. રાશન નથી. ઘરઆંગણે કંગાળ એવો પાકિસ્તાન દેશ આતંકવાદની નિકાસ કર્યે જ જાય છે. થોડા દિવસો પૂર્વે પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ પહલગામમાં ૨૬ જેટલા હિન્દુ પર્યટકોને ગોળીઓ મારી દીધી. આ ઘટનાથી આખું વિશ્વ રોષે ભરાયું છે. ભારત સરકારે સિંધુ નદીના પાકિસ્તાનમાં જતાં પાણીને રોકવાની જાહેરાત કરી દીધી છે. તેની સામે પાકિસ્તાનના નાયબ વડાપ્રધાને ભારતને ન્યૂક્લિયર શસ્ત્રો વાપરવાની વાત કરી ભારતને ડરાવવાની હાસ્યાસ્પદ ધમકી આપી છે. પાકિસ્તાન એ વાત ન ભૂલે કે ભારત પાસે પાકિસ્તાન કરતાં વધુ ન્યૂક્લિયર વેપેન્સ છે. પાકિસ્તાન ભારત પર પહેલાં અણુપ્રહાર કરશે તો ભારતના એક ભાગને તે નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ ભારત વળતો અણુપ્રહાર કરશે તો પાકિસ્તાન નેસ્ત નાબૂદ થઈ જશે. પાકિસ્તાનમાં એક પણ માણસ જીવતો નહીં હોય. પાકિસ્તાન નામના દેશનું અસ્તિત્વ જ મટી જશે. પાકિસ્તાન એક ભૂતકાળ બની જશે.
પાકિસ્તાનની કહેવાતી ચૂંટાયેલી સરકાર લશ્કરની અને આતંકવાદીઓની કઠપૂતળી છે.
પાકિસ્તાન ઘરઆંગણે નથી તો ભૂખમરાનો અંત લાવી શકતો કે નથી તો બરોજગારીનો. પાકિસ્તાનને ઘરઆંગણે તકલીફ ઊભી થાય છે ત્યારે તે કાશ્મીરનો રાગ આલાપે છે અથવા તો ભારતને અણુશસ્ત્રોના નામે ડરાવવા કોશિશ કરે છે.
અલબત્ત, પાકિસ્તાન એક એવો દેશ છે જેના પર કદીયે ભરોસો મૂકી શકાય નહીં. ભૂતકાળમાં તે ભારત સાથે યુદ્ધો કરવાનું અનેકવાર દુ:સાહસ કરી ચૂક્યું છે અને હારી પણ ચૂક્યું છે. ૧૯૭૧માં તો ભારતીય લશ્કરે પાકિસ્તાનના બે ટુકડા કરી નાખ્યા હતા અને પૂર્વ પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી બાંગ્લાદેશનું સર્જન કર્યું હતું. પાકિસ્તાન એક બેજવાબદાર દેશ છે. તેની પાસે અણુબોમ્બ કેવી રીતે આવ્યો તે જોઈએ.
પાકિસ્તાન પાસે હવે અણુશસ્ત્રો છે. પાકિસ્તાન પાસે આતંકવાદીઓ પણ છે, પણ ચિંતાનો વિષય એ છે કે પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓની નજર હવે પાકિસ્તાનનાં અણુશસ્ત્રો પર છે. આ અણુશસ્ત્રો આતંકવાદીઓના હાથમાં આવી જાય તો તેઓ પોતાના જાનની પણ પરવા કર્યા વિના કંઈ પણ કરી શકે છે. તેઓ આમ કરે તે પહેલાં ભારતે હવે પાકિસ્તાનની સાન ઠેકાણે લાવવી જ રહી. પાકિસ્તાન હસ્તક કાશ્મીર `પીઓકે’નો કબજો લેવો જ રહ્યો.
પાકિસ્તાનનાં અણુશસ્ત્રો આતંકવાદીઓના હાથમાં જશે કે કેમ તેની ખબર નથી, પરંતુ પાકિસ્તાનના અણુબોમ્બની કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ પર એક નજર નાંખીએ.
– કેટલાંક વર્ષો પહેલાં પાકિસ્તાનની શસ્ત્રો બનાવતી `વાહ ઓર્ડિનેન્સ ફેક્ટરી’ પર આતંકવાદીઓએ કરેલા હુમલાના સમાચાર પર ઝાઝું ધ્યાન ગયું નથી, પરંતુ આ ઘટના બાદ અમેરિકા ચોંકી ઊઠ્યું હતું.
પાકિસ્તાને તેના અણુબોમ્બ પાકિસ્તાનના અશાંત એવા ઉત્તર-પશ્ચિમ પ્રાંત અને બલુચિસ્તાનમાં પરમાણુ શસ્ત્રો છુપાવેલાં છે. તેની પર હવે તાલિબાનો અને લશ્કર-એ-તોઈબાની નજર છે. એકવાર આ ન્યુક્લિયર હાથમાં આવી જાય તો તેઓ આખા વિશ્વને બ્લેકમેલ કરી શકશે.
એવી ગુપ્ત માહિતી છે કે કેટલાક અણુબોમ્બ કેહુટા અને રાવલપિંડીથી અન્ય કોઈ ગુપ્ત સ્થળે ખસેડી લેવા અમેરિકાએ પાકિસ્તાનને સૂચના આપી છે. પાકિસ્તાનમાં ન્યૂક્લિયર વેપેન્સ કોઈ ચોરી ન જાય તે માટે અમેરિકાએ ૧૦૦ મિલિયન ડોલરની સહાય હેલિકોપ્ટર્સ, નાઈટ વિઝન ગોગલ્સ અને ડિટેક્શન સાધનો પણ અણુબોમ્બની સલામતી વ્યવસ્થા માટે આપ્યાં છે. અમેરિકાએ કેહુટા અને રાવલપિંડીના ડેપોમાંથી અણુઆયુધો મધ્ય પંજાબના સરગોધા એરબેઝ ખાતે ખસેડી લેવા જણાવ્યું છે.
ગુપ્તચર સંસ્થાઓના અહેવાલ અનુસાર પાકિસ્તાન પાસે ૧૬૦ જેટલા અણુબોમ્બ છે. તેમાં તે હજી વધારો કરવા પ્રયાસ કરે છે. અલબત્ત, સલામતીના કારણે આ અણુબોમ્બના વિવિધ ભાગોને અલગ અલગ રાખ્યા છે. તેને થોડી જ વારમાં એસેમ્બલ પણ કરી શકાય છે. એ જ રીતે તેની ડિલિવરી સિસ્ટમને પણ અલગ રાખવામાં આવી છે, જેથી કોઈ ત્રાસવાદી સંગઠનના હાથમાં ન્યૂક્લિયર બોમ્બ આવી જાય તો પણ તેને ફેંકવા માટે જે મિસાઈલ્સ જોઈએ તે મિસાઈલો અન્ય સ્થળે રાખવામાં આવે છે.
પાકિસ્તાનમાં એક તો રાજકીય અસ્થિરતા છે. બીજી બાજુ પાકિસ્તાની લશ્કર ઘણીવાર પાકિસ્તાનની સિવિલિયન ગવર્નમેન્ટ પર હાવી થઈ જાય છે અને ત્રીજું એ કે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈમાં ઘણા એવા ખલનાયકો છે જેઓ જેહાદીઓ સાથે ભળેલા છે. બેનઝીર ભુટ્ટો અમેરિકાની ઈચ્છાને કારણે જ પાકિસ્તાનમાં પ્રજાકીય સરકાર સ્થાપવા ગયાં હતાં અને આ જ કટ્ટરવાદીઓએ તેમને ઉડાવી દીધાં.
૧૯૯૯ અને ૨૦૦૨માં કાશ્મીરના મુદ્દે ભારત અને પાક. વચ્ચે યુદ્ધ છેડાઈ જાય તેવી પરિસ્થિતિ પેદા થઈ હતી. ત્યારબાદ અમેરિકાની ઈચ્છાથી કોઈ આકસ્મિક ન્યૂક્લિયર વોર શરૂ થઈ ન જાય તે માટે અમેરિકાએ પાકિસ્તાનને ન્યુક્લિયર શસ્ત્રોની સલામતી માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ તૈયાર કરી આપી છે.
એ જ રીતે પાકિસ્તાન તેની ન્યૂક્લિયર ટેક્નોલોજીની વિશ્વના બીજા કોઈ દેશમાં નિકાસ ન કરે તે માટે પણ અમેરિકા પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ પાકિસ્તાનના કેટલાક ન્યૂક્લિયર વિજ્ઞાનીઓ અલકાયદાના સંપર્કમાં હોવાનું પણ મનાઈ રહ્યું છે.
ન્યૂક્લિયર શસ્ત્રોની સલામતી માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ ગોઠવવામાં આવી છે, તે સિસ્ટમને ટેક્‌નિકલ પરિભાષામાં `C412 SR’ (કમાન્ડ, કંટ્રોલ, કોમ્યુનિકેશન, કમ્પ્યૂટર્સ, ઈન્ટેલિજન્સ, ઈન્ફર્મેશન, સર્વેલન્સ એન્ડ રિકનેક્શન્સ) કહે છે. આ સિસ્ટમ ત્રણ ભાગોમાં વહેંચાયેલી છે: (૧) નેશનલ કમાન્ડ ઓથોરિટી, (૨) સ્ટ્રેટેજિક પ્લાન ડિવિઝન અને (૩) સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ. હવે ધારો કે પાકિસ્તાને અણુબોમ્બથી હુમલો કરવો હોય તો તેણે સૌથી પહેલાં નેશનલ કમાન્ડ ઓથોરિટીની મંજૂરી લેવી પડે છે. તેમાં ૧૦ સભ્યો છે. આ દસ સભ્યોમાં પાકિસ્તાનના પ્રેસિડેન્ટ, વડાપ્રધાન, લશ્કરની ત્રણેય પાંખોના ચેરમેન, સંરક્ષણમંત્રી, ગૃહપ્રધાન, નાણામંત્રી, ડાયરેક્ટર જનરલ ઓફ સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝન અને લશ્કરની ત્રણેય પાંખોના વડાઓનો સમાવેશ થાય છે. નેશનલ કમાન્ડ ઓથોરિટી અર્થાત્ એનસીએના ચેરમેન તરીકે પાકિસ્તાનના પ્રમુખ છે અને તેઓ તેમને કાસ્ટિંગ વોટ આપી શકે છે. એકવાર અણુહુમલો કરવાનો નિર્ણય એનસીએ લઈ લે તે પછી સ્ટ્રેટેજિક પ્લાન્ટ ડિવિઝન અને સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડે આગળ વધવાનું હોય છે, પરંતુ આમાં મુશ્કેલી એ છે કે પાકિસ્તાનમાં પ્રજાકીય સરકાર ન હોય તો છેવટે લશ્કર પાસે જ તેના કમાન્ડ રહે છે.
કહેવાય છે કે પાકિસ્તાનનાં અણુશસ્ત્રોની સલામતી અને તેના ઉપયોગ માટે `પરમિસિવ એક્શન લિન્ક સિસ્ટમ’ અમેરિકાએ આપી છે.
આ સિસ્ટમમાં એક ગુપ્ત કોડ હોય છે, તેથી કોઈ પણ અણુબોમ્બનો વિસ્ફોટ કરતાં પહેલાં જે તે અણુબોમ્બમાં તે કોડ એન્ટર કરવો પડે છે. જ્યાં સુધી તે કોડ એન્ટર ન થાય ત્યાં સુધી તે અણુવેપન ટેરરિસ્ટો પાસે હોય તો પણ તેનો વિસ્ફોટ કરી શકાતો નથી. વાત આટલેથી અટકતી નથી. કોડમાં પણ `સ્ટાન્ડર્ડ ટુ મેન રૂલ’ની સિસ્ટમ છે. આ કોડ પણ બે વ્યક્તિઓ પાસે હોય છે. એકનો નંબર બીજા પાસે નથી હોતો તેથી બેઉ ભેગા થઈને કોડ એન્ટર કરે તો જ બોમ્બ ફૂટે. વિશ્વના અન્ય ન્યૂક્લિયર દેશોએ પણ આ જ સિસ્ટમ અપનાવેલી છે.
પાકિસ્તાનનાં અણુશસ્ત્રોનાં ગુપ્ત થાણાંની રક્ષા માટે ૧૦ હજાર સુરક્ષા સૈનિકો તૈનાત કરેલાં છે. તેમની ઉપર એક ટુસ્ટાર જનરલ છે. આ બધા સલામતી ગાર્ડ્સને ટ્રેનિંગ પણ અમેરિકાના લશ્કરે આપેલી છે. તેમાં ચેક્સ એન્ડ બેલેન્સ પણ ગોઠવાયેલા છે.
પરંતુ બીજો ભય એ છે કે અલકાયદા જેવાં જેહાદી સંગઠનો પાકિસ્તાનનાં અણુઆયુધો ચોરવાના બદલે કેટલાક અણુવિજ્ઞાનીઓ પાસેથી ટેક્નોલોજી મેળવી અન્ય દેશો પાસેથી યુરેનિયમ મેળવીને જાતે જ અણુબોમ્બ બનાવી દે તો? પાકિસ્તાનના અણુ કાર્યક્રમોના પિતા ગણાતા એ. ક્યુ. ખાને જ લિબિયા, નોર્થ કોરિયા અને ઈરાનને અણુ ટેક્નોલોજી ખાનગીમાં આપી જ દીધી છે. કહેવાય છે કે અલકાયદા પણ એ.ક્યુ. ખાનના નેટવર્કનો ઉપયોગ કરી રહ્યું છે. અલકાયદા ખુદ પાકિસ્તાનના અણુવિજ્ઞાનીઓના સંપર્કમાં છે અને પોતાનો જ અણુબોમ્બ બનાવવા ગુપ્ત પ્રયાસ કરી રહ્યું છે.
પાકિસ્તાનના અણુવિજ્ઞાની અબ્દુલ કાદિર ખાનનો ઈતિહાસ જ ગંદો છે. તેઓ નેધરલેન્ડની `યુરેન્કો’ નામની ડચ પ્રયોગશાળા-પેઢામાં કામ કરતો હતો. ત્યાંથી જ તેઓ અણુબોમ્બ બનાવવા માટેની અલ્ટ્રાસેન્ટ્રિફ્યૂઝીસ માટેની ડિઝાઈનની બ્લૂ પ્રિન્ટ ચોરીને પાકિસ્તાન લઈ ગયા હતા. પાકિસ્તાનમાં કહુટા ખાતે પ્રયોગશાળા ઊભી કરી તેમણે પાકિસ્તાન માટે અણુબોમ્બ તૈયાર કરી આપ્યો હતો. ભારત સામે અણુબોમ્બ બનાવવાનો પહેલો વિચાર ૧૯૭૨માં એ વખતના પાક. વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને આવ્યો હતો અને મુલતાનમાં વૈજ્ઞાનિકોની મીટિંગ બોલાવી પાકિસ્તાન માટે અણુબોમ્બ બનાવવા કહ્યું હતું. પાકિસ્તાનને ન્યૂક્લિયર બનાવવામાં ચીને ખૂબ મદદ કરી છે.
પાકિસ્તાન પાસે કેટલા અણુબોમ્બ છે તે અંગે ભિન્ન ભિન્ન મત છે. અમેરિકાસ્થિત નેચરલ રિસોર્સિસ ડિફેન્સ કાઉન્સેલના મતે પાકિસ્તાન પાસે ૨૪થી ૪૮ એચઈયુબેઝ ન્યૂક્લિયર બોમ્બ છે. જ્યારે ૩૦થી ૫૨ વધારાના બોમ્બ બનાવવાની સામગ્રી તૈયાર છે. અમેરિકાનું નૌકાદળ માને છે કે પાકિસ્તાન પાસે ૩૫ જેટલા હળવા અને ૯૫ જેટલા ખતરનાક મોટા અણુબોમ્બ છે. અમેરિકાની મિલિટરી ઈન્ટેલિજન્સના મતે પાકિસ્તાન પાસે ૧૦૦ જેટલા અણુબોમ્બ છે.
યુદ્ધ ફાટી નીકળે તો અણુબોમ્બ ઝીંકવા માટે પાકિસ્તાન પાસે એરફોર્સ અને સર્ફેસ ટુ સર્ફેસ મિસાઈલ્સની ડિલિવરી સિસ્ટમ છે. પાકિસ્તાન પાસે અમેરિકાએ આપેલાં એફ-૧૬ વિમાનો છે. આ વિમાનોને અણુબોમ્બથી સજ્જ કરી શકાય તેવી જોગવાઈ છે. મિરાજ થ્રી અને મિરાજ ફાઈવ વિમાનો પણ પાકિસ્તાન ન્યૂક્લિયર બોમ્બથી સજજ થઈ શકે છે. આ સિવાય પાકિસ્તાની (૧) હફત, (૨) અબ્દાલી, (૩) ગઝનવી, (૪) શાહીન, (૫) ઘોરી, (૬) બાબર, (૭) રા-આઝક્રુઝ મિસાઈલ અને (૮) એમ-૧૧ જેવી મિસાઈલો દ્વારા પણ અણુબોમ્બ ફેંકી શકાય તેમ છે. હફત મિસાઈલો ૮૦થી ૧૦૦ કિલોમીટર દૂર જઈ બોમ્બ ફેંકી શકે છે. શાહીનની રેન્જ ૭૫૦ કિલોમીટર, ઘોરી-૧ની રેન્જ ૧૩૫૦ કિલોમીટર, ઘોરી-૨ની રેન્જ ૨૪૦૦ કિલોમીટર, શાહીન-૨ની રેન્જ ૨૫૦૦ કિલોમીટરની છે.
પાકિસ્તાન પાસે કેટલા અણુબોમ્બ છે તે અંગે ભિન્ન ભિન્ન મત છે.
પાકિસ્તાન પાસે આજે ૧૬૦ જેટલા ન્યૂક્લિયર બોમ્બ હોવાનું મનાય છે. પાકિસ્તાને તેના અશાંત એવા ઉત્તર-કોરિયા પ્રાંત અને બલુચિસ્તાનમાં પરમાણુ શસ્ત્રો છુપાવેલાં છે. ચિંતાનો વિષય એ છે કે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો જેવાં કે તાલિબાન અને લશ્કર-એ-તોઈબાના અડ્ડા છે અને એ ત્રાસવાદી સંગઠનોની નજર પાકિસ્તાનનાં પરમાણુ શસ્ત્રો પર છે. એકવાર જો પાકિસ્તાનનાં ન્યૂક્લિયર શસ્ત્રો આ સંગઠનોના હાથમાં આવી જાય તો એ આતંકવાદીઓ આખા વિશ્વને બ્લેકમેલ કરી શકે છે. આવા ખતરનાક પાડોશી દેશ પાકિસ્તાનની સાન ઠેકાણે લાવવાનો સમય હવે પાકી ગયો છે.

Be Sociable, Share!