Close

A interviews of Devendra Patel ! જિંદગીમાં અને કર્મક્ષેત્રમાં ‘ક્લેરિટી ઓફ માઈન્ડ’ જરુરી : દેવેન્દ્ર પટેલ

અન્ય લેખો | Comments Off on A interviews of Devendra Patel ! જિંદગીમાં અને કર્મક્ષેત્રમાં ‘ક્લેરિટી ઓફ માઈન્ડ’ જરુરી : દેવેન્દ્ર પટેલ
* દેવેન્દ્ર પટેલે જીવને સતત ‘ન્યૂઝ’ અને શબ્દમાં પરોવી રાખ્યો એટલે જ કદાચ પત્રકારત્વનો અભ્યાસ કરનાર અને યુવા પત્રકારો એમની મુલાકાત લેવા ઈચ્છુક હોય છે. દેવેન્દ્ર પટેલને પહેલીવાર હું 31 ઓગષ્ટ-2004ના રોજ મળ્યો. તેમ છતાં કેટલાક મિડીયા કર્મીઓ મને પૂછતાં કે, “દેવેન્દ્ર પટેલ તારા સંબંધી છે ?” આ સવાલ વખતે હું મૌન સાથે સ્મિત આપતો. પણ મને એક સર્જકનો વિચાર યાદ આવે છે : “જેમને ઈશ્વર લોહીના સંબંધી બનાવવાનું ભૂલી જાય છે એમને પછી જિંદગીમાં એકબીજાના well-wisher અથવા તો ‘Trusted Friend’ બનાવી દે છે. પછી એમાં ઉંમર વચ્ચે આવતી નથી.”
* ભારત સરકારના પ્રતિષ્ઠિત એવા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ગુજરાતી ભાષાના દિગ્ગજ પત્રકાર-લેખક દેવેન્દ્ર પટેલનો ઈન્ટરવ્યુ લેવાનો મને મોકો મળ્યો, આ ઈન્ટરવ્યુના કેટલાક અંશો FB પર Post કરું છું :
1-પ્રશ્ન : આપને સાહિત્ય ક્ષેત્રમાં રુચિ કેવી રીતે પેદા થઈ ?
જવાબ : કોલેજકાળ દરમિયાન ‘નવનીત સમર્પણ’માં એક ટૂંકી વાર્તા વાંચી હતી, તેમાં છેલ્લે એક ચમત્કૃતિ આવતી હતી. વાર્તા ખૂબ ગમી. પછી ઓ.હેન્રીની ટૂંકી વાર્તા વાંચી. ટૂંકી વાર્તા લખવાનું મન થયું, બસ, આ રીતે સાહિત્યમાં રસ પડવા માંડ્યો.
2-પ્રશ્ન : પત્રકારત્વ ક્ષેત્રમાં આવવાનું કંઈ રીતે થયું ?
જવાબ : સ્નાતક થયા પછી સ્પર્ધાત્મક પરીક્ષા આપી, પરંતુ જઈ શકાયું નહીં. અનાયાસે અંગ્રેજી અખબાર ‘વેસ્ટર્ન ટાઈમ્સ’માં અરજી કરી અને રામુભાઈ પટેલે પત્રકાર તરીકે પસંદગી કરીને તક આપી.
3-પ્રશ્ન : યુવા પત્રકાર તરીકે કંઈ ન્યુઝ સ્ટોરી તમારામાં આત્મવિશ્વાસનો વધાર્યો ?
જવાબ : અમદાવાદની PRLના ડાયરેક્ટર ડો.રામનાથનના ઈન્ટરવ્યુ દરમિયાન જાણવા મળ્યું કે નર્મદા બંધ જ્યાં બની રહ્યો છે તેની નીચે ફોલ્ટી ઝોન છે, તેથી અહીં મહારાષ્ટ્રના કોયના જેવો ધરતીકંપ થઈ શકે છે. આ ન્યૂઝ સ્ટોરીને ‘ગુજરાત સમાચાર’એ પ્રથમ પેજ પર પ્રગટ કરી. આ અહેવાલ વાંચ્યા બાદ ફોલ્ટી ઝોન અંગે જરુરી ટ્રીટમેન્ટ કરવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરવી પડી હતી.
4-પ્રશ્ન : ‘કભી કભી’ કોલમમાં ચમત્કૃતિ આવે છે તેની પાછળ કયા સર્જકની પ્રેરણા છે ?
જવાબ : અંગ્રેજી ભાષાના ટૂંકી વાર્તાના લેખક ઓ.હેન્રી.
5-પ્રશ્ન : ‘કભી કભી’ કોલમની લોકપ્રિયતા, સફળતાનું રહસ્ય શું છે ?
જવાબ : સરળ ભાષા, મજબૂત ઘટનાતત્વ. લોકહિતનો ખ્યાલ રાખવો અને દરેક સ્ટોરીના અંતે એક છૂપો સંદેશ.
6-પ્રશ્ન : ‘કભી કભી’ને તમે સાહિત્યિક લખાણ ગણો છે ?
જવાબ : હું નક્કી કરી શકતો નથી, પરંતુ વાચકોને ગમે છે. શરદબાબુનાં લખાણો સાહિત્યની પરિભાષામાં આવતાં હોય તો ‘કભી કભી’ સાહિત્ય છે અને તેમનાં લખાણો સાહિત્યની પરિભાષામાં ના આવતાં હોય તો ‘કભી કભી’ પણ સાહિત્ય નથી.
7-પ્રશ્ન : ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ અને ‘સત્યના પ્રયોગો’ આપના પ્રિય પુસ્તકો છે ? કેમ ?
જવાબ : ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ સમજપૂર્વક વાંચવામાં આવે તો માનવીને શ્રદ્ધાની શૈલી શીખવે છે, તે માનવીને આચારસંહિતા શીખવે છે, સંશયો દૂર કરે છે અને ધર્મની વ્યાખ્યા કરી આપે છે. ‘સત્યના પ્રયોગો’ એક એવી જ આત્મકથા છે કે જેમાં ગાંધીજીએ સહજતાથી, હિંમતથી પોતાની નબળાઈઓનું વર્ણન કર્યું છે. જિંદગી તમામ પાસાંઓનું વર્ણન કર્યું છે.
8-પ્રશ્ન : તમારી ભાષાશૈલી વિષે શું કહેશો ?
જવાબ : સરળ લખવું અઘરું છે, અઘરું લખવું સહેલું છે. મારી ભાષા સરળ છે, તે માટે ‘ક્લેરિટી ઓફ માઈન્ડ’ અનિવાર્ય છે. ભાષા કુદરતી રીતે જ પ્રવાહી છે. જે વિચારું છું અને જેવું બોલું છું તેવું જ લખું છું.
9-પ્રશ્ન : આજના ગુજરાતી પત્રકારત્વ અંગે તમારો શો અભિપ્રાય છે ?
જવાબ : દુખ સાથા કહેવું પડે છે કે અખબારોમાં ગુજરાતી પત્રકારો દ્વારા લખાતાં વૃત્તાંતોમાં ભાષા નબળી પડતી જાય છે. ગુજરાતી પત્રકારત્વ ગુણવત્તાની રીતે પણ નબળું પડ્યું છે.
10-પ્રશ્ન : તમારા દૃષ્ટિકોણથી પત્રકારત્વનું કર્તવ્ય શું છે ?
જવાબ : હિંમતપૂર્વક લખવું. સાચું લખવું. અખબાર અને લોકો માટે લખવું. અર્થપૂર્ણ લખવું. કોઈની જિદગીમાં બદલાવ લાવી શકાય તે માટે લખવું. પ્રજાની સમસ્યાઓ પર લખવું. લોકોને વિશ્વના સાંપ્રત પ્રવાહથી વાકેફ કરવા અને લોકોની જ્ઞાનજિજ્ઞાસાને સંતોષવી.
11-પ્રશ્ન : તમે સ્વયંને પત્રકાર માનો છે કે સાહિત્યકાર ?
જવાબ : પત્રકાર.
12-પ્રશ્ન : પત્રકાર તરીકે લાગણીસભર કોઈ પ્રસંગ કહેશો ?
જવાબ : ન્યૂયોર્કથી ભારત પાછા ફરવા માટે મને રિઝર્વેશન મળતું ન હતું. વધુ દિવસો રોકાવા જેટલા પૈસા ન હતાં. ઈટાલિયાનો માણસ રોજ ધક્કા ખવરાવતો હતો. એક દિવસ વહેલો તેની ઓફિસે પહોંચી ગયો. એક યુવતીએ મારા હાથ પર બાંધેલી રાખડી જોઈ. રાખડીનો મહિલા જાણ્યા બાદ એ યુવતી લાગણીશીલ થઈ ગઈ અને મને બીજા દિવસેની ટિકિટ આપી દીધી.
13-પ્રશ્ન : તમારી દ્રષ્ટિએ ભારતીય અને પાશ્ચત્ય સંસ્કૃતિ વચ્ચેનો મુખ્ય ભેદ શું છે ?
જવાબ : ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિક છે, જ્યારે પાશ્ચત્ય સંસ્કૃતિ ભૌતિક મૂલ્યો પર રચાયેલી છે.
14-પ્રશ્ન : યુવા પત્રકારોને શો સંદેશ આપશે ?
જવાબ : સખત પરિશ્રમ, નિયમિત વાંચન-અભ્યાસનો કોઈ વિકલ્પ નથી. પત્રકારત્વને ગ્લેમરસ જોબ સમજીને આવવું નહીં, કેમ કે વ્યાવસાયિક જોખમો વધી રહ્યાં છે.
15-પ્રશ્ન : તમારો જીવનમંત્ર શો છે ?
જવાબ : સમાજ માટે ઉપયોગી બનવું, સામાન્ય માનવીની દરકાર કરવી અને તેને માન આપવું. સતત કાર્યરત રહેવું. જીવનને એક મિશન બનાવવું. કુદરતે આપેલાં પ્રતિભા-કૌશલ્યોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો.
આમ, દેવેન્દ્ર પટેલનું વ્યક્તિત્વ મોહક છે. વ્યવહારમાં શાણપણ અને નમ્ર સ્વભાવ છે. મિત્રોને પ્રેમ કરે છે. એક પત્રકાર તરીકે જીવનને સતત અપડેટ રાખ્યું છે. દેવેન્દ્ર પટેલની શબ્દશક્તિને સલામ !
#Truth_Love_Compassion .
By
Dr.Masung Chaudhary

Be Sociable, Share!