Close

જો અર્પિત, તારા કારણે આજે હું શું બની ગઈ છું?

ઢળતી સાંજે એક યુવતી ‘સંદેશ’ અખબારની કચેરીએ આવે છે. બાવીસેક વર્ષની એની વય હશે. દેખાવમાં રૂપાળી છે, નાજુક છે પણ ઓછી ઉંમરમાં પણ એના ચહેરા પર પુખ્ત અનુભૂતિઓની શ્રાૃંખલા જણાય છે. એ કહે છે ઃ ‘મારું નામ સ્મિતા છે.’
અને બીજું કાંઈ શરૂ કરે તે પહેલાં જ એક લિખિત પત્ર મૂકી દે છે. એ કહે છે ઃ ‘આમાં બધું જ લખ્યું છે. વાંચી લેજો. મારે ઉતાવળ છે. હું જાઉં છું.’
એક મિનિટ પણ થોભ્યા વગર એ જતી રહે છે. લીટીવાળા કાગળ પર એણે લખેલો પત્ર આ પ્રમાણે છે ઃ ‘મારું નામ સ્મિતા છે. અત્યારે મારી ઉંમર બાવીસ વર્ષની છે, પણ આ વાત જ્યારે હું વીસ વર્ષની હતી ત્યારની છે. વાતની શરૂઆત હું જ્યારે બારમા ધોરણમાં ભણતી હતી ત્યારથી થાય છે. એ દિવસોમાં એક છોકરો મારી સ્કૂલમાં ભણતો હતો. એ મને પહેલેથી જ ગમતો હતો. એનું નામ અર્પિત. હું એને જોયા કરતી. એ પણ મારી સામે તાકી રહેતો. એક દિવસ એણે મારી પાસે આવીને પ્રસ્તાવ મૂક્યો ઃ’હું તારી સાથે ફ્રેન્ડશિપ કરવા માગું છું.’
મને તો શરૂથી જ એનું આકર્ષણ હતું. હું સહેજ શરમાઈ પણ મને એનો પ્રસ્તાવ બહુ જ ગમ્યો હતો. હું હસીને જતી રહી. આખી રાત મને અર્પિતના જ વિચારો આવ્યા.  બીજા દિવસે એને જોવા હું તલપાપડ થઈ ગઈ.
ફ્રી એ બોલ્યો ઃ ‘સ્મિતા! પિકચર જોવા જવું છે ?’
મેં હા પાડી.
શનિવારના પહેલા શોમાં અમે પિકચર જોવા ગયાં. ચાલુ ફ્લ્મિે એનો હાથ મને સ્પર્શ્યો. મને સારું લાગવા માંડયું. મેં પણ પ્રતિભાવ આપ્યો. એ આગળ વધ્યો. મે એને રોક્યો નહીં. આખી રાત મેં એ અવર્ણનીય આનંદને વાગોળ્યા કર્યો. રવિવારે સ્કૂલ બંધ હોય તેથી અમે મળી શકતાં નહીં. હું અર્પિતને જોયા વગર રહી શકતી નહોતી. મેં એને અમારી સોસાયટીના નાકે બોલાવવાનું શરૂ કર્યું. હું શાકભાજી લેવાના બહાને બહાર નીકળી જતી. સોસાયટીના નાકે અમે મળતાં. વાતો કરી છૂટાં પડી જતાં. એક દિવસ મારા ઘરમાં બધાંને ખબર પડી ગઈ કે અમે બહાર મળીએ છીએ. ઘરમાં મમ્મી-પપ્પાએ મને ખખડાવી નાખી. મેં મારે અને અર્પિતને કોઈ સંબંધ નથી એમ કહ્યું. હવે અમે સોસાયટીના નાકે મળવાનું બંધ કરી દીધું. મારી કેટલીક બહેનપણીઓ બધું જાણતી હતી. એમણે મને પરિમલ ગાર્ડનમાં મળવા સલાહ આપી. મારી બહેનપણીઓ પણ એમના પ્રેમીઓને ત્યાં જ મળતી હતી.
મારા ઘરમાં આ વાતની પણ ખબર પડી ગઈ.
એક દિવસ અર્પિતે મને કહ્યું ઃ ‘સ્મિતા ! મારા ફ્ૅન્ડનું ઘર ખાલી છે.’
કોણ જાણે કેમ પણ મેં કોઈના પણ ઘેર એકલા મળવાની ના પાડી દીધી. ફ્રી એ મને પિકચર જોવા લઈ ગયો. આ વખતે થિયેટરના અંધારામાં એણે બેમર્યાદ છૂટ લીધી. હું નક્કી કરી શકતી નહોતી કે અમે સારું કરીએ છીએ કે ખરાબ. મને ગમતું પણ હતું અને નહોતું પણ ગમતું.
આવું ઘણા વખત સુધી ચાલ્યું. પરીક્ષા આવી. અમે બને ફ્ટાફ્ટ પેપર લખી બહાર નીકળી જતાં. અમને મળવાની જ ઉતાવળ રહેતી. અમે દર અઠવાડિયે પિક્ચર જોઈએ છીએ એ વાતની ખબર પણ ઘરમાં પડી ગઈ. ઘરમાં મારા પપ્પાએ મને ફ્ટકારી. હું ચૂપ રહી.
મારાં મમ્મી-પપ્પાએ હવે મારી જ્ઞાતિમાં જ મારી સગાઈ કરવા હિલચાલ શરૂ કરી દીધી. મને એક છોકરો બતાવવામાં આવ્યો. હેન્ડસમ હતો. થોડુંક વિચારીને મેં હા પાડી. હું મારા ફ્યિાન્સ સાથે બહાર જવા લાગી. પિકચર જોવા પણ ગઈ. એવામાં બહારગામ ગયેલો અર્પિત પાછો ર્ફ્યો. એ મારી સોસાયટીના નાકે આવ્યો અને મારી એક બહેનપણી મારફ્તે મને બહાર બોલાવી. એ મારી પર ખૂબ ગુસ્સે થઈ ગયો.
મેં એને શાંત પાડતાં કહ્યુંઃ ‘હજી તો સગાઈ જ થઈ છે, લગ્ન તો નથી કર્યાં ને !’
અર્પિતે કહ્યું ઃ ‘ઠીક છે. હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું.’
 મેં કહ્યું ઃ ‘પણ તારી ને મારી જ્ઞાતિ જુદી છે. મારાં ઘરવાળાં માન્ય નહીં  રાખે.’
એણે કહ્યુંઃ ‘તો ભાગી જઈને લગ્ન કરી લઈએ.’
મેં કહ્યુંઃ ‘હું વિચારીને જવાબ આપીશ.’
એ રાત્રે મેક્સ પર ‘ક્યામત સે ક્યામત તક’ પિકચર ચાલતું હતું. એ ફ્લ્મિે મારી હિંમત વધારી દીધી. રાત્રે જ મેં નક્કી કરી નાંખ્યું કે, ‘ભાગીને અર્પિત સાથે જ લગ્ન કરી નાખીશ.’
બીજા દિવસે મેં અર્પિતને કહેવરાવ્યું કે હું તૈયાર છું. મેં શાયરી લખી. ‘સજીને સાજ બેઠી છું, બધું તૈયાર છે, કહી દે દિલદાર, તારે આવવાની કેટલી વાર છે ?’
અર્પિત મને તારીખ, સમય અને સ્થળ આપી દીધાં. એ પ્રમાણે બહાનું કાઢી હું નીકળી ગઈ. એ દિવસે મારાં મમ્મી-પપ્પા એક લગ્નમાં ગયાં હતાં. એકલતાનો લાભ ઉઠાવીને મેં મારી મમ્મીનો સોનાનો દોરો અને પાંચ હજાર રૂપિયા પણ કબાટમાંથી સાથે લઈ લીધાં. અર્પિત મારી રાહ જોતો ઊભો હતો. અમે રિક્ષા પકડી રેલવે સ્ટેશને પહોંચ્યાં.
રાતની ટ્રેન પકડી આબુ રોડ જવા રવાના થયાં. આબુ રોડથી બસ પકડી અમે માઉન્ટ આબુ પર જતાં રહ્યાં.
અમે એક હોટલમાં ઊતર્યા. સાંજે સનસેટ પોઈન્ટ જોવા ગયાં. હવે અંધારું થઈ ગયું હતું. હોટલ પર પાછાં આવતાં પહેલાં અર્પિતે નખી લેક પાસેથી બિયર અને દારૂની બોટલો લીધી.
હોેટલ પર આવી અર્પિતે બિયરની બોટલો ખોલી. મેં કદી બિયર ચાખ્યો નહોતો. મેં ના પાડી પરંતુ અર્પિતે કહ્યું ઃ ‘સ્મિતા, આજનો દિવસ મારું મન રાખ.’ મેં હા પાડી.
હું બાથરૂમમાં ગઈ એ દરમિયાન અર્પિતે શાયદ બિયરની બોટલમાં થોડી વ્હિસ્કી પણ રેડી દીધી હતી. બાથરૂમમાંથી બહાર આવ્યા બાદ બિયર મને વધુ કડવો લાગ્યો. આંખો બંધ કરીને હું પી ગઈ. મને ઊંઘ આવવા માંડી. હુંં તરત જ સૂઈ ગઈ. એ રાત્રે અર્પિત મારી સાથે અઘટિત કૃત્ય કર્યું. હું અડધા ભાનમાં હતી. શું થઈ રહ્યું છે તેની મને ખબર હતી પરંતુ હું તેને રોકી શકતી નહોતી. હું માત્ર પરવશ જ હતી.
બીજા દિવસે મને ખ્યાલ આવી ગયો. હું અર્પિતને ખૂબ લડી ઃ ‘તેં મને દારૂ પીવડાવીને ખોટું કર્યું. હજી આપણાં લગ્ન થયાં નથી.’
પણ અર્પિત બદલાયો નહીં. અમે ચાર દિવસ માઉન્ટ આબુની એ હોટલમાં જ રહ્યાં. પહેલી રાતે જે બન્યું એનું રોજ રાત્રે પુનરાવર્તન થતું જ રહ્યું. પૈસા પણ હવે ખલાસ થવા આવ્યા હતા. જે પૈસા હતા તે બધા મારા જ હતા. અર્પિત પાસે તો ખાસ કાંઈ હતું જ નહીં. મેં એને લગ્ન ક્યાં કરવાનાં છે તે પૂછયું પરંતુ તે લગ્નનું નામ જ લેતો ન હતો. એણે કહ્યુંઃ ‘આપણે અંબાજી જઈને વિચારીએ.’
ચાર દિવસ બાદ અમે માઉન્ટ આબુ છોડી દીધું અને અંબાજી આવ્યાં. અંબાજીમાં અમે દસ દિવસ માટે ગેસ્ટહાઉસમાં એક રૂમ બુક કરાવ્યો. રાત્રે અર્પિત ફ્રીથી દારૂની એક બોટલ લઈ આવ્યો. એ બોલ્યો ઃ ‘કાલે જ આપણે અહીં અંબાજીમાં લગ્ન કરી લઈશું.’ હુંં રાજી થઈ ગઈ.
એ રાત્રે ફ્રી એણે મને દારૂ પીવરાવ્યો. મને ભોગવી. રાત અમે અંબાજીના ગેસ્ટ હાઉસમાં પસાર કરી. પરંતુ સવારે ઊઠીને મેં જોયું તો અર્પિત પથારીમાં નહોતો. તે તેની બેગ સાથે ભાગી ગયો હતો. મને ખ્યાલ આવી ગયો કે અપિતે મને દગો દીધો છે. હું ફ્સાઈ ગઈ છું. ગેસ્ટહાઉસના પૈસા ચૂકવી હું બસ-સ્ટૅન્ડ પર પહોંચી. મારી પાસે હવે પૈસા પૂરા થઈ ગયા હતા. બસમાં બેસી હું તારંગા આવી. સદ્ભાગ્યે મારા કાનમાં ઈયરિંગ અને મારાં મમ્મીનો સોનાનો દોરો હતો.
બસ-સ્ટૅન્ડ પર એક ભાઈને મેં વિનંતી કરી ઃ ‘મારી પાસે ઈયરિંગ ને દોરો છે. મારે પૈસાની જરૂર છે.’ એ ભાઈ અમદાવાદના હતા. એમણે મને કહ્યું ઃ ‘ચાલોમારી સાથે અમદાવાદ. હું ત્યાં તમને તમારા આ દાગીના વેચી આપીશ.’
હું તેની સાથે અમદાવાદ પાછી આવી, પરંતુ તે હરામી હતો. તેણે મને અજાણી જગ્યાએ ચાર-પાંચ દિવસ રાખી. મારી આખીયે વાત જાણી લીધી. મારી મજબૂરીનો એણે ફયદો ઉઠાવ્યો. એ પણ મને લૂંટતો રહ્યો. પાંચમા દિવસે મને એણે મારા ઈયરિંગ અને સોનાના દોરાના બદલામાં ૧૨૦૦ રૂપિયા આપી મને કાઢી મૂકી. હુું એસ. ટી. સ્ટૅન્ડ પર આવીને ઊભી રહી. હું વિચારવા લાગી કે મારે શું કરવું ? ઘેર જવું કે મારા પગ પર ઊભા રહેવું.
છેવટે ઘેર નહીં જવાનો મેં નિર્ણય કર્યો. નડિયાદમાં મારી એક બહેનપણી રહેતી હતી. હું નડિયાદ ગઈ. સીધી એના ઘેર પહોંચી. મેં જોયું તો એ દુઃખી હતી. છતાં એણે મને તેના ઘેર રાખી. જમવાનું પણ આપ્યું. તે એકલી જ રહેતી હતી. પરંતુ રોજ સાંજે બહાર જતી રહેતી હતી. હુંં સમજી ગઈ.
એકવાર હું એની સાથે બહાર ગઈ. નવા પુરુષો સાથે મારી ઓળખાણ કરાવી. ડ્રિંકસ અને જમવાનું મને મફ્તમાં મળી રહેતું. પેટ ભરાઈ જતું હતું. ધીમે ધીમે હું પણ તેના જેવી થઈ ગઈ. રોજ સાંજે અમે કમાણી માટે બહાર જવા લાગ્યાં. હું સમજી ગઈ કે મારી જિંદગીમાં હવે શું છે ?
મેં જે માર્ગે પેટ ભરાતું હોય તે માર્ગ અને તે રીતનો  સ્વીકાર કરી લીધી.
સર, આ લાઈનમાં મને હવે બે વર્ષ થઈ ગયાં છે. મેં હવે ખાસ્સું બેંકબૅલેન્સ કરી લીધું છે. હજુ પણ વધુ ભેગું કરીશ. મને હવે કોઈ જ અફ્સોસ નથી. બહુ જ આસાનીથી પૈસા મળી રહે છે. બસ, હવે તો એક જ ઇચ્છા છે. અને તે એ કે અર્પિત સામે મળી જાય તો હું એને બજાર વચ્ચે થપ્પડ મારી જાહેરમાં પૂછવું છે  કે   તારા લીધે હું આજે શું બની ગઈ?’
પત્ર અહીં પૂરો થાય છે.
(નામો પરિવર્તિત છે)
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!